બેંગલુરુ,તા.૨૬
પ્રથમ ટી-૨૦ મેચ હારી ચૂકેલી ભારતીય ટીમ આજે બુધવારે ઓસ્ટ્રેલિયા સામે બીજી ટી-૨૦ મેચમાં ટકરાશે. આ ટી-૨૦ શ્રેણીની અંતિમ મેચ હોવાથી શ્રેણી બચાવવા માટે ભારતે આજની મેચ જીતવી જરૂરી છે. જો ઓસ્ટ્રેલિયાની ટીમ આ મેચ જીતી જશે તો તે શ્રેણી પોતાના નામે કરી લેશે. ઓસ્ટ્રેલિયાએ ભારતમાં ક્યારેય પણ ટી-૨૦ શ્રેણી જીતી નથી. આમ ઓસી. પાસે શ્રેણી જીતવાની ઐતિહાસિક તક છે.
એવું નથી કે ઇતિહાસ રચવાનો મોકો ઓસ્ટ્રેલિયા પાસે જ છે. ભારત પણ એક રેકોર્ડ સર્જી શકે છે. ભારત અત્યાર સુધીમાં ૧૧ ટી-૨૦ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ચૂક્યું છે. જો આજની ટી-૨૦ મેચ જીતી લેશે તો ભારતની આ ૧૨મી જીત હશે. આવું કરતા જ ભારત ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ જીતના પાકિસ્તાની રેકોર્ડની બરોબરી કરી લેશે. ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાન ૨૦ મેચ રમ્યું છે, જેમાંથી ૧૨ મેચ જીતી છે. જ્યારે ભારત કાંગારુંઓ સામે ૧૯ મેચ રમ્યું છે અને તેમાંથી ૧૧માં જીત હાંસલ કરી છે.
ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ પણ એક વ્યક્તિગત રેકોર્ડ સર્જવાની નજીક છે. તેણે અત્યાર સુધી ૪૧ મેચમાં ૫૧ વિકેટ ઝડપી છે. જો આજે વધુ બે વિકેટ ઝડપશે તો બૂમરાહ ટી-૨૦ ક્રિકેટમાં ભારતનો સૌથી સફળ બોલર બનીજશે. હાલ આ રેકોર્ડ અશ્વિનના નામે છે. તેણે ૪૬ મેચમાં બાવન વિકેટ ઝડપી છે. લેગ સ્પિનર યુઝવન્દ્ર ચહલ ૪૬ વિકેટ સાથે ભારતનો ત્રીજો સૌથી સફળ બોલર છે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ૬૬ ટી-૨૦ મેચમાં ૨૧૯૧ રન બનાવી ચૂક્યો છે. જો તે વધુ નવ રન બનાવી લેશે તો તે ૨૨૦૦ રન બનાવનારો દુનિયાનો ચોથો બેટ્સમેન બની જશે. અત્યાર સુધીમાં ફક્ત ત્રણ બેટ્સમેન- રોહિત શર્મા (૨૩૩૧), માર્ટિન ગપ્ટિલ (૨૨૭૨) અને શોએબ મલિક (૨૨૬૩) જ ૨૨૦૦થી વધુ રન બનાવી શક્યા છે. જો વિરાટ આજની મેચમાં ૭૩ રન બનાવશે તો તે પાકિસ્તાનના શોએબ મલિકને પણ પાછળ છોડી દેશે.
ભારતીય વાઇસ કેપ્ટન રોહિત શર્મા પણ એક વર્લ્ડ રેકોર્ડની નજીક છે. રોહિત શર્મા ૧૨ વર્ષની કરિયરમાં ૯૪ મેચ રમીને ૧૦૨ છગ્ગા ફટકારી ચૂક્યો છે. તે હાલ સૌથી વધુ છગ્ગા ફટકારવાની બાબતમાં ત્રીજા નંબર પર છે. આ રેકોર્ડ સંયુક્તરૂપે હાલ ક્રિસ ગેલ અને માર્ટિન ગપ્ટિલના નામે છે. આ બંનેએ ૧૦૩-૧૦૩ છગ્ગા ફટકાર્યા છે. એટલે કે રોહિત જો આજની મેચમાં વધુ બે છગ્ગા ફટકારી દેશે તો તે સૌથી વધુ છગ્ગા ફટકારનારો બેટ્સમેન બની જશે.