(એજન્સી) કોલકાતા, તા. ૧
પશ્ચિમ બંગાળના મુખ્યંમત્રી મમતા બેનરજીએ ઇન્ડિયન એરફોર્સ દ્વારા જૈશે મોહંમદના ટ્રેનિંગ કેમ્પો પર અસૈનિક કાર્યવાહીની સંપૂર્ણ વિગતોની માગણી કરી છે. રાજ્યના સચિવાલય નાબન્ના ખાતે મીડિયાને સંબોધતા તેમણે કહ્યું કે, અમે જાણવા માગીએ છીએ કે ખરેખર શું બન્યું હતું. રાષ્ટ્રીય ટીવી ચેનલો દર્શાવે છે કે, ૩૦૦થી ૩૫૦ લોકોને મારવામાં આવ્યા પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયા દર્શાવે છે કે, આવી કોઇ બાબત બની નથી અને બોમ્બ નિશાન પર વાગ્યા નથી અને કોઇ જાનહાનિ નથી થઇ ! તો સત્ય શું છે ? તેઓએ બોમ્બ ક્યાં ફેંક્યા ? શું ખરા નિશાન પર બોમ્બ ફેંકાયા હતા ? મમતા બેનરજીએ કહ્યું કે, અમે ભારતીય સૈનિકો અને સશસ્ત્ર દળો સાથે ખભેથી ખભા મિલાવીને ઉભા છીએ પરંતુ રાજકીય હિતો માટે યુદ્ધ ઇચ્છતા નથી. ચૂંટણીઓ પહેલા જવાનોના લોહી સાથે રાજનીતિ સ્વીકાર્ય નથી. તેમણે કહ્યું કે, હું ન્યૂયોર્ક ટાઇમ્સ વાંચી રહી હતી અને તેમાં લખ્યું હતું કે, આ ઓપરેશનમાં કોઇ વ્યક્તિનું મોત નથી થયું અને કેટલાક મીડિયા રિપોટ્ર્સમાં એકનું મોત થયું હોવાનું કહેવાય છે. તેથી અમે આ બાબતની સંપૂર્ણ જાણકારી માગીએ છીએ. તેમણે ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદી પર જવાનોના લોહી પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, જવાનો સાથે કોઇ આવું કેવી રીતે કરી શકે છે. તેમણે કહ્યું કે, આપણી સેનાને બોલવા દો કે, બાલાકોટમાં ખરેખર શું થયું હતું. જોતે રાષ્ટ્રીય સુરક્ષા માટે યુદ્ધ હોય તો અમે દેશ સાથે ઉભા છીએ પરંતુ ફક્ત રાજનીતિ અને ચૂંટણી જીતવા માટે હોય તો અમે તેને વખોડીએ છીએ. તેમણે ક્હયું કે, સશસ્ત્ર દળો આપણું ગર્વ છે. તેઓ સરહદે આપણા માટે લડે છે જ્યારે કેટલાક લોકો ચૂંટણી ફાયદા માટે રાજનીતિ કરે છે. સીઆરપીએફ કાફલા પર પુલવામામાં આતંકવાદી હુમલા વિશે તેમણે કહ્યું કે, સંભવિત આતંકવાદી હુમલા વિશે સરકારે સલાહકારી અને એલર્ટ આપ્યું હતું. તેમ છતાં તેમણે સાવચેતી ના રાખી, તેમણે અનેક જવાનોને મરવા માટે છોડી દીધા. તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ઘટનાક્રમ વિશે વિપક્ષને અંધારામાં રાખવાનો પીએમ મોદી પર આરોપ મુક્યો હતો. પુલવામા હુમલા મુદ્દે એર સ્ટ્રાઇક પહેલા અને પછી તેઓએ સર્વપક્ષીય બેઠક પણ બોલાવી ન હતી. અમે સત્ય જાણવા માગીએ છીએ.