(એજન્સી) નવી દિલ્હી, તા.૪
પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી એર સ્ટ્રાઇકમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા બતાવનારા અમિત શાહના નિવેદન અંગે હવે રાજનીતિમાં ગરમાટો આવી ગયો છે. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે કહ્યું છે કે, દેશ એર સ્ટ્રાઇકમાં માર્યા ગયેલા આતંકવાદીઓની લાશો જોવા માગે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કહ્યું છે કે, શું અમિત શાહને સેનાના નિવેદન પર ભરોસો નથી. તેમણે કહ્યું કે, પોતાના ફાયદા માટે અમિત શાહ અને ભાજપ જુઠ્ઠું બોલી રહ્યા છે. આ બધું આગામી લોકસભા ચૂંટણી માટે કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં એક સભામાં પોતાના ભાષણ દરમિયાન અમિત શાહે દાવો કર્યો હતો કે, પુલવામા આતંકવાદી હુમલાના ૧૩મા દિવસે મોદી સરકારની એર સ્ટ્રાઇકમાં ૨૫૦થી વધુ આતંકવાદી માર્યા ગયા હતા. તેમણે અભિનંદન વર્ધમાનની વતન વાપસી અંગે પણ કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકારનો પ્રભાવ એવો હતો કે, વિશ્વમાં સૌથી ઝડપથી કોઇ યુદ્ધ કેદી પરત આવ્યો છે.