નવી દિલ્હી,તા.૫
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એક અધિકારીએ મંગળવારે સ્પષ્ટ કહી દીધું છે કે, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ૨૦૨૧ ટી-૨૦ વર્લ્ડ કપ અને ૨૦૨૩ વનડે વર્લ્ડ કપ જેવી વિશ્વસ્તરીય રમત ભારતથી બહાર કરાવવા માટે સ્વતંત્ર છે પરંતુ તેમણે તે પછીની પરિસ્થિતિઓ માટે પણ તૈયાર રહેવું પડશે.
તાજેતરમાં જ દુબઈમાં આઈસીસી ક્વાર્ટરલી બેઠક થઈ હતી. તેમાં આઈસીસીએ બીસીસીઆઈને કહ્યું હતું કે, ૨૦૨૧ ટી-૨૦ વર્લ્ડ કપ અને ૨૦૨૩ વન વર્લ્ડ કપ જેવી વિશ્વસ્તરીય કોમ્પિટિશન કરાવવા માટે ૨.૧૦ કરોડ ડોલર (અંદાજે રૂ. ૧૪૯ કરોડ) ટેક્સ ભરવો પડશે.
આ વિશે સીનિયર અધિકારીએ જણાવ્યું કે, આઈસીસીની ઈચ્છા હોય તો તેઓ ટૂર્નામેન્ટ ભારતની બહાર કરાવવા માટે સ્વતંત્ર છે. કારણકે ટેક્સ સંબંધી મામલે સરકારની મંજૂરી હોવી જરૂરી છે. તેમાં બહારના દબાણની કોઈ અસર નથી પડતી. તેમણે કહ્યું આ મામલે ટેક્સ ડિપાર્ટમેન્ટ અને મંત્રાલયના નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે. અમે અમારા દેશમાં વર્લ્ડ કપ રમાય તેવું ઈચ્છીએ છીએ પરંતુ આઈસીસી જબરજસ્તી દબાણ કરવા માગતી હોય તો તેમણે દરેક વાત માટે તૈયાર રહેવું જોઈએ.
તેમણે કહ્યું કે, જો તેઓ આઈસીસીની ટૂર્નામેન્ટને ભારત બહાર લઈ જવા ઈચ્છતા હોય તો આ સારી વાત છે. પરંતુ ત્યારે બીસીસીઆઈ તેમની રેવન્યૂમાં આઈસીસીને ભાગ નહીં આપે. ત્યારે જોઈએ છીએ કે કોને નુકસાન થાય છે. અધિકારીએ જણાવ્યું કે, પ્રશાસનિક પ્રભારી તેમના અધિકાર ક્ષેત્ર વગર નીતિગત નિર્ણય લેવાનો પ્રયત્ન કરે છે. આઈસીસીને તે નિર્ણય માટે બીસીસીઆઈને રોકવું મુશ્કેલ થશે. કારણકે તે નિર્ણયોમાં બોર્ડની મંજૂરી મળી નથી.