હિંમતનગર,તા.૧ર
પ-સંસદિય સાબરકાંઠા બેઠકની આગામી તા.ર૩ એપ્રિલના રોજ યોજાનાર ચૂંટણી સંદર્ભે ગત રવિવારથી તેની તારીખો જાહેર થયા બાદ કડક આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે ત્યારે વહિવટી તંત્ર દ્વારા સાબરકાંઠાના ચાર તાલુકાઓમાંથી બે દિવસમાં અંદાજે ૧૭ર૦ હોર્ડિગ્સ અને બેનર હટાવી દેવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં જિલ્લામાં ક્યાંય પણ આવા બેનર કે હોર્ડિગ્સ હશે તો તેને દૂર કરવા માટે વહિવટી તંત્ર કટીબદ્ધ છે.
આ અંગે જિલ્લા કલેક્ટરના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મંગળવારે જિલ્લાના અધિકારીઓની ચૂંટણીલક્ષી મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત અધિકારીઓને જિલ્લા કલેક્ટરે તાકીદ કરતા જણાવ્યું હતું કે આચારસંહિતાનો કડક અમલ થાય તે જોવાની જવાબદારી સરકારી અધિકારીઓની છે તેથી જ્યાં સુધી લોકસભાની ચૂંટણીની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈપણ જાહેર સ્થળે અથવા તો સરકાર પાસેથી અનુદાન મેળવતી શૈક્ષણિક સંસ્થાઓ તથા જાહેર સ્થળો પર સરકારની સફળતા દર્શાવતા હોર્ડિગ્સ કે બેનર હોય તો તેને દૂર કરી દેવા.
સરકારી શાળાઓના ગ્રાઉન્ડના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે ત્યારે પદાધિકારીઓ કે મંત્રીઓ આવા સ્થળોનો સભાના સ્થળ તરીકે ઉપયોગ કરી શકશે નહીં તથા સરકારી વિશ્રામગૃહો અને સરકારી વાહનોના ઉપયોગ પર પદાધિકારીઓ માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
બીજી તરફ સાબરકાંઠામાં આવેલ હિંમતનગર, પ્રાંતિજ, ઈડર તથા ખેડબ્રહ્મા વિધાનસભા વિસ્તારમાંથી વહિવટી તંત્ર દ્વારા બે દિવસમાં અંદાજે ૧૭ર૦ હોર્ડિગ્સ અને બેનરો હટાવી લેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આચારસંહિતાના કડક અમલના ભાગરૂપે હિંમતનગરના મહાવીરનગર, મોતીપુરા, મહેતાપુરા, ટાવરસર્કલ તથા સિવિલ સર્કલ નજીક લગાવાયેલા બેનરો દૂર કરી દેવાયા છે. જો હજુ પણ ક્યાય હશે તો તે અંગે તપાસ કરીને આવા હોર્ડિગ્સ અને બેનર દૂર કરી દેવામાં આવશે.
ક્યા તાલુકામાંથી કેટલા હોર્ડિગ્સ અને બેનર દૂર કરાયા
હિંમતનગર-૧૮૬, ઈડર- ર૮ર, ખેડબ્રહ્મા-૯૩૩, પ્રાંતિજ-૩૧૯