(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૧૪
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલ એક આશ્રમના મહંત સહિત ૪ સાધુઓને કોઈએ ભોજનમાં કેફી પદાર્થ ભેળવી અને ખવડાવી દઈ અજાણ્યા આરોપીઓ નાસી છૂટયા હતા. ત્યારબાદ આ સાધુઓને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર ભવનાથ વિસ્તારમાં આવેલ ઉદાસીન પંચાયતી બડા અખાડાના મહંત ગંગાદાસ બાપુ, ભુરાદાસબાપુ, ભરપુરદાસ બાપુ અને છગનદાસ બાપુને ગતરાત્રે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ભાનમાં આવતા ગંગાદાસ બાપુએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૧૦ વર્ષથી અહીં છે. છેલ્લે શિવરાત્રી મેળામાં તેમના આશ્રમમાં અન્ય સાધુઓ આવ્યા હતા. તેમાંના બે સાધુ હાલ હાજર નથી. ગતરાત્રે તેઓએ શાક અને રોટલો ખાધો હતો. જેમાં કોઈએ કેફી પદાર્થ ખવડાવી દીધા હોય તેવું લાગે છે. એક રામદાસ અને બીજા હનુમાનદાસ હાજર નથી. તેઓએ કયાં ઈરાદે આ કર્યું તે ખબર નથી. આશ્રમે જઈને તપાસ કરીએ ત્યારે ખબર પડશે કે ચોરી થઈ છે કે કેમ ? હાલ ચારેય ભાનમાં આવતા પોલીસે તેના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી તપાસ હાથ ધરી છે.