ભરૂચ,તા.૧૬
ન્યુઝીલેન્ડ ક્રાઈસ્ટચર્ચમાં બે મસ્જિદોમાં કટ્ટરવાદી તત્વો દ્વારા કરાયેલા આતંકવાદી હુમલામાં ભરૂચ તાલુકાના લુવારા ગામના અને વર્ષોથી ફીઝીમાં સ્થાયી થયેલા હાફેઝ મુસા પટેલને પીઠના ભાગે ગોળી વાગતા શહીદ થયા હતા.
ભરૂચ તાલુકાના લુવારા ગામના મૂળ વતની તેમજ છેલ્લા ૩૦ વર્ષથી ફીઝી સ્થાયી થયેલા હાફેઝ મુસા પટેલના કુલ પાંચ સંતાનો ઓસ્ટ્રેલિયા તેમજ ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયેલા હોઈ છેલ્લા ર૦ દિવસથી હાફેઝ મુસા પટેલ ન્યુઝીલેન્ડ ખાતે કાયમી નિવાસ કરવા ગયા હતા શુક્રવારે નમાઝ પઢવા હાફેઝ મુસા પટેલ લિનવુડ મસ્જિદમાં તેમના પત્ની સાથે ગયા હતા તે અરસામાં ઓસ્ટ્રેલિયન આતંકવાદી બ્રેન્ટન ટેંરટે અંધાધૂંધ ગોળીબાર કરી બર્બરતા પૂર્વક ૪૦ ઉપરાંત નમાઝીઓને શહીદ કરી નાખતા સમગ્ર વિશ્વમાં હડકંપ વ્યાપી જવા પામ્યો હતો. આતંકવાદી હુમલામાં હાફેઝ મુસા પટેલનાઓને પીઠના ભાગે ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. જેમને સારવાર અર્થે ક્રાઈસ્ટચર્ચ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું.બનાવના પગલે હાફેઝ મુસા પટેલના પરિવારજનોમાં ભારે આઘાતની લાગણી વ્યાપી જવા પામી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે હાફેઝ મુસા પટેલે ૩૦ વર્ષ સુધી ફીઝીમાં ઈમામ તરીકે ફરજ બજાવી હતી અને ફીઝીમાં તેઓ ખ્યાતનામ હતા. તમામ ધર્મના લોકો તેમને માન સન્માન આપતા હતા. આ બનાવના પગલે તેમના સેંકડો ચાહકોમાં ભારે દુઃખની લાગણી વ્યાપવા પામી છે.
અહમદભાઈ પટેલે મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી
ભરૂચ, તા.૧૬
મૂળ લુવારા ગામના હાફેઝ મુસા પટેલને શુક્રવારે ન્યુઝીલેન્ડમાં થયેલા આતંકી હુમલામાં ગેાળી વાગવાના બનાવમાં કોંગ્રેસના ખજાનચી અને સાંસદ અહમદ પટેલને ગતરોજ માહિતી સાંપડતા તેઓએ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનો સંપર્ક કરી સમગ્ર મામલે પીડિતોને મદદરૂપ થવા આહ્વાન કરવા સાથે લુવારા ગામે તેમના પરિવારજનોનો ટેલિફોનિક સંપર્ક કરી સાંત્વના પાઠવી હતી.