(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૧૬
આણંદ જિલ્લામાં ભારે ચર્ચા જગાવનાર પણસોરાના મર્ડર મીસ્ટ્રી પરથી આખરે બારમાં દિવસે પડદો ઊંચકાયો છે અને ક્લીનરનું ગુપ્તાંગ કાપીને હત્યા કરનાર ડ્રાયવર તેમજ પાણીથી ઓરડી ધોઈ નાંખનાર બે સગીરોની ભાલેજ પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ગત ત્રીજી તારીખના રોજ રાત્રીના સુમારે હરિયાણાના ક્લીનર દયાનંદ નાઈની પણસોરા ખાતે આવેલા ટામેટાના પીઠાની ઓરડીમાં કોઈ શખ્સોએ ગુપ્તાંગ કાપીને ક્રુર રીતે હત્યા કર્યા બાદ લોહીવાળી ઓરડી પાણીથી ધોઈ નાંખી હતી. આ અંગે પોલીસે મરણ જનાર ક્લીનરના ઘરે એટેકથી મોત થયાની ખોટી માહિતી આપનાર ડ્રાયવર વિરૂધ્ધ શંકાને આધારે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. પોલીસે ડ્રાયવર સહિત જે તે સ્થળે હાજર આઠેક જેટલા મજુરોને પણ પોલીસ મથકે ઉઠાવીને ઝીણવટભરી પુછપરછ કરી હતી પરંતુ કોઈ ફળદાયી હકિકત મળી નહોતી. દરમ્યાન પોલીસે ઉલટ-તપાસ કરીને આકરી પુછપરછ કરતાં આખરે ડ્રાયવર મહેન્દ્રસિંહ વાલ્મીકી ભાંગી પડ્યો હતો અને તેણે જ આ હત્યાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે તેની ધરપકડ કરીને વિસ્તૃત પુછપરછ કરતાં આગલી રાત્રે તેને ક્લીનર સાથે બોલાચાલી થઈ હતી જેમાં વાત મા-બેન સમાણી ગાળો સુધી પહોંચી જવા પામી હતી. જેને લઈને આવેશમા આવી જઈને રાત્રીના સુમારે ક્લીનર જે ઓરડીમાં સુઈ ગયો હતો ત્યાં તે પહોંચી ગયો હતો અને છાતી પર બેસી જઈને છરી વડે ગુપ્તાંગ કાપી નાંખી હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ બે સગીર મજુરો પાસે પાણીથી આખી ઓરડી સાફ કરાવી નાંખી હતી. ગુપ્તાંગ નજીકમાં જ આવેલા તળાવમાં નાંખી દીધું હતુ. જો કે પોલીસે તળાવનું પાણી ખાલી કરાવીને તપાસ કરી હતી પરંતુ છરી અને ગુપ્તાંગ મળી આવ્યુ નહોતુ. પોલીસનું એવું માનવું છે કે જળચર પ્રાણીઓ ગુપ્તાંગ ખાઈ ગયા હોવા જોઈએ. પોલીસે હત્યામાં મદદગારી કરનાર બન્ને સગીરોની પણ ધરપકડ કરીને ખરેખર સામાન્ય બોલાચાલીમાં જ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે પોલીસે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.