(એજન્સી) તા.૧૬
સિંગૂર અને નંદીગ્રામમાં લગભગ ૧૦ વર્ષ પહેલા સત્તારુઢ ડાબેરી સરકાર વિરુદ્ધ હેરાન, ભૂખ્યા અને રોષે ભરાયેલા હજારો લોકોનું નેતૃત્વ કરનાર મમતા બેનરજીને કદાચ જ તે સમયે એ ખબર હશે તે ઇતિહાસની એક નવી પટકથા લખવાની અણીએ છે. આ તો ૧૦ વર્ષ પહેલાની વાત થઈ ગઇ. મમતા બેનરજી ફરી એકવાર દેશના રાજકારણના કેન્દ્રમાં આવીને ઊભા થઇ ગયા હોય તેવું દેખાય છે. જો ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર ર૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમત લાવવામાં નિષ્ફળ રહેશે તો મમતા બેનરજી ભલે ખુદ ટોચના પદે બિરાજમાન ન થઈ શકે પણ સત્તાની ચાવી એટલે કે કિંગમેકરની ભૂમિકા તો ભજવશે જ. વડાપ્રધાન મોદી અને ભાજપની આકરી ટીકા કરનારા લોકોમાંથી એક બેનરજીએ અત્યાર સુધી પોતાની છબિ એવી બનાવી છે જે સત્તારુઢ એનડીએ સત્તાથી બહાર કરવાની ચાહત ધરાવતી વિપક્ષી પાર્ટીઓને જોડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં એક રેલીમાં એક મંચ પર ર૩ પક્ષોના નેતાઓને લાવવામાં સફળ રહ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસના નેતા સુદીપ બંદોપાધ્યાયે પીટીઆઇને જણાવ્યું હતું કે મમતા બેનરજીના નેતૃત્વમાં આગામી નવી સરકારમાં અમે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા જઇ રહ્યાં છીએ. દેશની પ્રજા મોદીના ડરના શાસનથી બચવા માટે બેનરજી અને ટીએમસી કોંગ્રેસ તરફ જોઇ રહી છે. તેનાથી સંકેત મળે છે કે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમો બેનરજીની નજર હવે દિલ્હીની સત્તા પર છે. તૃણમૂલ નેતા મમતા બેનરજીના રાજકીય જીવનની શરુઆત તેમના કોલેજના જમાનામાં કોંગ્રેસ કાર્યકર્તા તરીકે થઇ હતી. તેના પછી તે એનડીએ અને યુપીએ સરકારમાં મંત્રી બન્યા. પણ પશ્ચિમ બંગાળના નંદીગ્રામ અને સિંગૂરમાં ઔદ્યોગિકરણ માટે ડાબેરી સરકાર દ્વારા ખેડૂતોની જમીન બળજબરીપૂર્વક પડાવી લેવાને લીધે તેમણે આંદોલન કર્યુ અને એક રાજનેતા તરીકે પોતાની છબિ રજૂ કરી અને આ આંદોલને તેમને મજબૂત ઓળખ અપાવી.