(સંવાદદાતા દ્વારા)
માંગરોળ, તા.૧૧
માંગરોળ તાલુકાના માંગરોળથી ઝંખવાવ સુધીના વિસ્તાર માટે તથા દિણોદ બોઈદ્રા-કટવા વિસ્તાર માટે મળી કુલ બે સિંચાઈ યોજનાઓ મંજૂર કરવામાં આવી છે. આ બંને યોજનાની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે અને આગામી માસમાં આ યોજનાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. આ બે યોજના પાછળ અંદાજે પ૩ર.૯૦ કરોડ રૂપિયા ખર્ચ થશે.
આ યોજનાની સમીક્ષા માટે આજે તા. ૧૧ના આ વિસ્તારના ધારાસભ્ય અને વનમંત્રી ગણપતસિંહ વસાવાએ માંગરોળ તાલુકાના નાનીનરોલી ગામે આવેલ જી.આઈ.પી.સી.એલ. કંપનીના સભાખંડમાં સિંચાઈ વિભાગ તથા આ કામ કરવા માટે પસંદગી પામેલ એલ એન્ડ ટી કંપનીના અધિકારીઓની એક સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં પ્રોજેક્ટરના માધ્યમથી બંને યોજનાની માહિતીઓનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું સાથે જ સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા આ યોજનાઓ સંદર્ભે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં કાકરાપાર-ગોરધા-વડ ઉદ્વહન સિંચાઈ યોજનામાં માંગરોળના ર૦ અને માંડવીના ર૭ મળી કુલ ૪૭ ગામોનો સમાવેશ કરાયો છે. આ ગામોના ર૩ હજાર ખેડૂતોની ૩૮ર૦૦ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. આ યોજનાનું પાણી ગોરધા વિયર-લાખી ડેમ-ઈસર ડેમમાં નાખવામાં આવશે ૬ કોતરો-૩૦ ચેકડેમો અને પસાર થતી નદીઓમાં પાણી નાખવામાં આવશે. સઠવાવ અને પાતલદેવી ગામે તળાવોમાં આ પાણી નાખવામાં આવશે. ૩પ કિ.મી. લંબાઈ ધરાવતી દેશની આ પ્રથમ એવી યોજના છે કે જે અંડર ગ્રાઉન્ડ પાઈપ લાઈન નાખી દરેક ખેતરોના અંત ભાગ સુધી પાઈપ લાઈન મારફતે પાણી પૂરૂં પાડવામાં આવશે. આ યોજના પાછળ ૪૯૭.૩૩ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ કામ માટે દેશની સૌથી મોટી એલ એન્ડ ટી કંપનીની પસંદગી કરવામાં આવી છે જ્યારે ૧૩.૯૧ કરોડ રૂપિયા દશ વર્ષ સુધી મેન્ટીનન્સ પેટે ચૂકવાશે. ૩૬ માસમાં આ યોજનાનું કામ પૂર્ણ કરાશે.