(એજન્સી)
અલ્હાબાદ, તા. ૧૯
કોંગ્રેસના મહામંત્રી અને પૂર્વ યુપીના ઇન્ચાર્જ પ્રિયંકા ગાંધી વાડરા સોમવારે પ્રયાગરાજમાં સભાને સંબોધી રહ્યા હતા ત્યારે કોંગ્રેસ પાર્ટીએ તેમને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે સરખાવ્યા હતા. પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધી બડે હનુમાન મંદિરે રોકાયા હતા જે લેટે હુએ હનુમાન તરીકે પ્રખ્યાત છે ત્યાં તેમણે મૂર્તિ પર પુષ્પોની વર્ષા કરી હતી. તેમણે પુષ્પો વર્ષાવતા ફોટા કોંગ્રેસ પાર્ટીએ ટિ્વટર પર ટિ્વટ કરીને મુક્યા હતા. પાર્ટીએ સાથે જ આવા જ ફોટા ઇન્દિરા ગાંધીના પણ મુક્યા હતા અને કેપ્શનમાં લખ્યું હતું કે, ‘‘પરંપરા અને રીતરિવાજો ક્યારેય બદલાતા નથી.’’ ઇન્દિરા ગાંધીએ ૨૫ જૂન ૧૯૭૯માં આ મંદિરની મુલાકાત લીધી હતી. પ્રિયંકા ગાંધી સ્વરાજ ભવન ખાતે પોતાના પરંપરાગત મકાનમાં થોડીવાર માટે રોકાયા હતા. આ પહેલા ૪૭ વર્ષના મહિલા નેતાએ પોતાની દાદીના ફોટા ટિ્વટ કરી લખ્યું હતું કે, તેઓ અહીં જન્મ્યા હતા. તેમણે લખ્યું હતું કે, સ્વરાજ ભવનના પ્રાંગણમાં બેસીને એ ઓરડો દેખાય છે જ્યાં મારા દાદી જન્મ્યા હતા. રાતે સૂતી વખતે મારા દાદી આર્કની વાર્તાઓ સંભળાવ્યા કરતા હતા. આજે પણ તેમના શબ્દો હૃદયમાં ગૂંજે છે. કહેતા હતા નિડર બનો અને બધું સારૂ થઇ જશે.