(સંંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.રપ
ગુજરાત સરકારે તાજેતરમાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટની નિમણૂક કરી છે. તે અંગે કોંગ્રેસે ચૂંટણીપંચને પત્ર લખી જણાવ્યું છે કે ગુજરાત સરકારે ભાજપના હોદ્દેદારોની નિમણૂક કરી છે. ચૂંટણીમાં ગેરરીતિ કરવા જ ભાજપના કાર્યકરોની નિમણૂક કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે અને હોમગાર્ડ કમાન્ડન્ટની નિમણૂક રદ કરવા માગણી કરી છે.
ગુજરાત સરકાર દ્વારા તા.ર૦-૩-ર૦૧૯ના રોજ ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટની નિમણૂક કરવામાં આવી છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના રાજકીય હોદ્દો ધરાવતાં અને ભાજપના સક્રિય કાર્યકરોની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવેલ ૩૩ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટમાં માત્ર પાંચ જ જિલ્લામાં રેગ્યુલર પોલીસ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. બાકીના તમામ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ભારતીય જનતા પાર્ટીના વફાદાર કાર્યકર્તાઓ છે. તે હાલના સંજોગોમાં ચૂંટણી આચારસંહિતા અમલમાં હોય ગેરકાયદેસર અને કાયદા વિરૂદ્ધની છે.
પોલીસ અધિકારી સિવાયના તમામ રાજકીય વ્યક્તિઓની જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ તરીકેની નિમણૂક તાત્કાલિક રદ્ કરી તે જવાબદાર અધિકારી વિરૂદ્ધમાં યોગ્ય પગલાં લેવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, બે વર્ષ કરતા વધુ સમયથી જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટની જગ્યાઓ ખાલી હતી. તેમ છતાં જે તે સમયે નિમણૂક ન કરીને હાલમાં જ્યારે ચૂંટણી આચારસંહિતા લાગુ હોવા છતાં પોતાના પક્ષના કાર્યકરોની ચૂંટણી પ્રક્રિયાને અસર કરવાના ઈરાદા સાથે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ આ નિમણૂકોને રદ કરવામાં આવે. સરકારે નિમેલ સીધા હોદ્દેદારોના કેટલાક નામ નીચે મુજબ છે.
શહેર/જિલ્લા ભાજપ હોદ્દેદાર કમાન્ડન્ટનું નામ
૧. અમદાવાદ પૂર્વ અશોક પટેલ (ઉપપ્રમુખ, અમદાવાદ)
ર. અમદાવાદ પશ્ચિમ જબ્બરસિંહ શેખાવત (જમાલપુર વિધાનસભા પ્રભારી)
૩. બનાસકાંઠા રમેશપંડ્યા (ડીસા ધારાસભ્યના ભાઈ)
૪. આણંદ સુભાષ નીલ (આર.એસ.એસ.ના સક્રિય કાર્યકર)
પ. પોરબંદર સુરેશ સીકોતરા (પોરબંદર જિલ્લા સક્રિય કાર્યકર)
૬. બોટાદ યોગેશ નવનીતરાય મહેતા (બોટાદ ભાજપ નગરસેવકના પતિ)