અમરેલી, તા.૨૫
અમરેલીના પીરે તરીકત અને કોમના રહેબર સૈયદ જિયાઉર્રહેમાન બાપુ કાદરી જન્નતનશીન થતા કોમને એક મોટી ખોટ પડી છે. સૈયદ જિયાઉર્રહેમાન બાપુ કાદરીએ અમરેલીમાં દીની અને દુન્યવી ક્ષેત્રે એક મોટું યોગદાન આપેલ હતું તેમણે સમાજના દરેક પ્રશ્ને હરહંમેશ આગળ રહી સમાજ પ્રત્યેની ઉમદા કામગીરી કરવાની ફરજ અદા કરી હતી તેમણે સમાજ પ્રત્યેના કામો વતી સૌના હૃદયમાં ઉચ્ચ સ્થાન હાસિલ કર્યું હતું.
સૈયદ જિયાઉર્રહેમાન બાપુની કોમ પ્રત્યેની હમદર્દીથી તેમના વિદાય બાદ પણ લોકોના માનસપટમાં બાપુના સદાઇ સંભારણા રહેશે આજે તેમની દફનવિધિમાં હજારોની સંખ્યામાં ચાહકો તેમજ બાપુના મુરીદો મોટી સંખ્યામાં ઉમટી પડેલ હતા.
અમરેલી ખાતે દારૂલ ઉલુમ મહેબુબિયાહ તેમજ મહેબુબ માધ્યમિક સ્કૂલનો પાયો નાખનાર અને અમરેલી જિલ્લા સહીત સૌરાષ્ટ્રમાં દીની અને દુન્યવી ક્ષેત્રે સમાજ માટે મોટું યોગદાન આપનાર અમરેલીના પીરે તરીકત અને કોમના રહેબર સૈયદ જિયાઉર્રહેમાન બાપુ કાદરી આજરોજ જન્નતનશીન થતા સમસ્ત મુસ્લિમ સમાજમાં ગામનો માહોલ છવાઈ ગયો હતો. સૈયદ જિયાઉર્રહેમાન વિદાયથી સમાજને મોટી ખોટ વર્તાશે પીરે તરીકત સૈયદ જિયાઉર્રહેમાન બાપુએ હંમેશા સાદગી ભરી જિંદગી જીવી સામાજિક તેમજ શિક્ષણ ક્ષેત્રે હંમેશા આગળ રહ્યા હતા. મુસ્લિમ સમાજના પ્રશ્ને હરહંમેશ આગળ રહી સમાજ પ્રત્યે લડતા આવ્યા હતા તેમણે અમરેલી ખાતે પ્રથમ દારૂલ ઉલુમની સ્થાપના કરી દીન પ્રત્યેની એક મોટી ફરજ અદા કરી હતી તેમની વિદાયથી હિન્દુ સમાજમાં પણ શોક છવાયો હતો. દારૂલ ઉલુમ મહેબુબિયાહ ખાતે તેમની દફનવિધિ કરવામાં આવી હતી. જ્યાં સૈયદ દાદાબાપુ સાવરકુંડલા વાળા તેમજ સૈયદ હામિદ બાવા કાદરી વટવા (અમદાવાદ) તેમજ નિઝામબાપુ ચિસ્તી (અમરેલી) સહિતના પીરે તરીકતો દફનવિધિમાં હાજર રહેલ હતા.
સૈયદ ઝિયાઉર્રહેમાન બાપુ ‘ગુજરાત ટુડે’ના હમદર્દ અને હિમાયતી હતા
પીરે તરીકત સૈયદ જિયાઉર્રહેમાન બાપુ કાદરી ‘ગુજરાત ટુડે’ના હિમાયતી અને હમદર્દ હતા તેમણે સમગ્ર જિલ્લા અને સૌરાષ્ટ્રમાં ક્યાંય કોઈ કાર્યક્રમોમાં જતા તો તેઓ ગુજરાત ટુડેનો પ્રચાર કરતા હતા. ‘ગુજરાત ટુડે’નો પાયો નાખનાર ભાઈખાનભાઈ બ્લોચ વખતથી લઇ સિરાજુદ્દીન તિરમીઝી તેમજ હાલના ટ્રસ્ટીઓ તેમજ તંત્રી સહ તંત્રીઓ સાથે હંમેશા સંપર્કમાં રહેતા આવ્યા હતા.