(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર
ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની મુશ્કેલીઓ વધી શકે છે. હાઈકોર્ટે ભૂપેન્દ્રસિંહની જીતને પડકારની અરજી પર અવલોકન કરતા રિટર્નિંગ ઓફિસર ધવલ જાનીની ભૂમિકા શંકાસ્પદ જણાઈ હતી, આથી આવનારા સમયમાં ચુડાસમાને મંત્ર પદ અને ધારાસભ્યપદ બંને ગુમાવવા પડે તેથી સ્થિતિ સર્જાઈ છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી અરજી મામલે ગુજરાત હાઈકોર્ટે અવલોકન કરતા રિટર્નિંગ ઓફિસર ધવલ જાનીની ભૂમિકા શંકાસ્પદ લાગી છે. ગુજરાત હાઈકોર્ટે મતગણતરી દરમિયાન ગરબડ થઈ હોવાનો સ્વીકાર કર્યો છે. આ સિવાય કોર્ટે ધવલ જાનીને પક્ષકાર પણ બનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો ધોળકા બેઠક પરથી ૩૨૭ મતે વિજય થયો હતો. ત્યાર બાદ આ જીતને કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે હાઈકોર્ટમાં પડકારી હતી. આ અરજી મુજબ, આ ચૂંટણીમાં પોસ્ટલ બેલેટના ૪૨૭ મત રદ કર્યા હતા. જો ચૂંટણી અધિકારીએ તે રદ ન કર્યા હોત ભૂપેન્દ્રસિંહ જીતી શક્યા ન હોત. ત્યાર બાદ ભૂપેન્દ્રસિંહે આ અરજી રદ કરવા માટે હાઈકોર્ટમાં પિટીશન કરી હતી. જેને હાઈકોર્ટે ફગાવી દીધી હતી અને ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે પણ આ અરજી નામંજૂર કરી હતી. તો બીજી તરફ ધવલ જાનીએ હાઈકોર્ટ સમક્ષ જુબાનીમાં સ્પષ્ટ કર્યું હતું કે, સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે, પોસ્ટલ બેલેટની ગણતરી ૧૧.૩૮થી ૧૧.૪૮ વાગ્યા દરમિયાન થઈ હતી. અરજદાર અશ્વિન રાઠોડે પોતાની અરજીમાં માંગ કરી હતી કે, ઈવીએમમાં ૨૯ મતો હતા, છતાં તેને અધિકારીઓ દ્વારા ગણતરીમાં લેવાયા નહોતા. તેમણે એમ પણ કહ્યું કે, ધોળકા બેઠક પર ૧,૫૯,૯૪૬ મત પડ્યા હતા. જ્યારે, મત ગણતરીમાં ૧,૫૯,૯૧૭ મત જ ગણતરીમાં લેવામાં આવ્યા છે અને તેના પર જ પરિણામ જાહેર કરાયું હતું. દરેક રેકોર્ડ કોર્ટ સામે રજૂ થવા જોઈએ અને કોર્ટે ફેર મત ગણતરીનો આદેશ આપવો જોઈએ. આ કેસમાં હાઈકોર્ટે ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલજાની, ઓબ્ઝર્વર વિનીતાવોરા અને ચૂંટણી પંચને નોટિસ પાઠવી તેમને સામાવાળા પક્ષકાર તરીકે જોડવા આદેશ કર્યો છે. ચૂંટણી દરમિયાન કથિત ગેરરીતિ બાબતે ખુલાસો કરવા બે સપ્તાહનો સમય આપી વધુ સુનાવણી ૧૬ એપ્રિલના રોજ રાખવામાં આવી છે.