(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર
લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે બાકી રહેલી ૧૩ પૈકી કુલ પાંચ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ગત મોડી રાત્રે મહેસાણા બેઠક પર પાટીદાર અગ્રણી અને નિવૃત્ત વર્ગ-૧ અધિકારી એ.જે. પટેલના નામની જાહેરાત કર્યા બાદ આજે વધુ ચાર બેઠકો ગાંધીનગર, જામનગર, સુરેન્દ્રનગર અને અમરેલીના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસે ગાંધીનગર બેઠક પર સી.જે. ચાવડાને ટિકિટ આપી છે. તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે ચૂંટણી જંગમાં ટકરાશે. જયારે અમરેલી બેઠક પર અગાઉ ગુજરાત ટુડે કહી ચૂકયું છે તેમ પરેશ ધાનાણીને ટિકિટ ફાળવી છે. પરેશ ધાનાણી અમરેલીના જ ધારાસભ્ય છ અને રાહુલ ગાંધીની ગુડબુકમાં છે ઉપરાંત સૌરાષ્ટ્રમાં પાટીદારોમાં લોકપ્રિય હોવાથી તેમને ઉતારવાથી સૌરાષ્ટ્રની બેઠકો અંકે કરી શકાય તેવી ગણતરી કોંગ્રેસે મુકી છે. એ જ રીતે જામનગરથી ગુજરાત ટુડે લખી ચૂકયું છે તેમ મુળુ કંડોરિયાને કોંગ્રેસે ટિકિટ આપી છે. આ બેઠક પર હાર્દિકનું નામ ચાલતું હતું પરંતુ કોર્ટની મંજૂરી ન મળતા મુળુ કંડોરિયા પર પસંદગી ઉતારાઈ છે. કારણ કે વિક્રમ માડમ તેમની ભત્રીજી પુનમ માડમ સામે લડવા તૈયાર ન હોવાથી મુળુ કંડોરિયાને તક મળી છે. જયારે સુરેન્દ્રનગર બેઠક પર કોંગ્રેસે સોમાભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. જેઓ ભાજપના મહેન્દ્ર મુંજપરાની સામે જંગ લડશે. જયારે ગત મોડી રાત્રે પાટીદારોના ગઢ મહેસાણા માટે કોંગ્રેસે સમસ્ત ચૌધરી કડવા પાટીદાર સમાજના પૂર્વ પ્રમુખ, પાટણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, ગુજરાત અંબુજા કો-ઓ. બેન્ક અને મહેસાણા અર્બન કો-ઓ. બેન્કના ચેરમેન સહિત અનેક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા નિવૃત્ત વર્ગ-૧ અધિકારી એ.જે. પટેલને મેદાનમાં ઉતાર્યા છે. એ.જે. પટેલ મૂળ ચાણસ્મા તાલુકાના ચાવેલી ગામના છે અને હાલ તેઓ મહેસાણા ખાતે રાધનપુર રોડ પર રહે છે. આમ કોંગ્રેસે ૧૩માંથી પાંચ બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જયારે આઠ બેઠકોના નામ મોડી રાત્રે કે આવતીકાલે જાહેર કરાય તેવી શકયતા છે.