(એજન્સી) રાયગંજ, તા.૯
સાત તબક્કામાં યોજાનારી લોકસભાની ચૂંટણીઓમાંથી પહેલાં તબક્કાને હવે માંડ ૪૮ કલાક બાકી રહ્યા છે ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ પોતાના આક્રમક વલણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા તેમને કોમી તોફાનો અને માનવ નરસંહારના બાપ્ટિસ્ટ (Baptist) ગણાવ્યા હતા. ફાસિસ્ટસના તેઓ રાજા છે. જો એડોલ્ફ હીટલર જીવતો હોત તો શ્રીમાન મોદીના કૃત્યો જોઈને આત્મહત્યા કરી લીધી હોત. રાજ્યમાં ૧૧, ૧૮, ર૩ અને ર૯ એપ્રિલે તથા ૬, ૧ર, અને ૧૯ મેએ સાત તબક્કામાં ચૂંટણીઓ યોજાવાની છે. આજે એક રેલીમાં બોલતાં તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખે વડાપ્રધાન અને તેમના પક્ષ પર આરોપ મૂક્યો હતો કે તેઓ વિપક્ષને ચુપ કરાવવા કેન્દ્રની દરેક એજન્સીનો ઉપયોગ કરે છે. મોદીએ પોતાની જ ફિલ્મ બનાવડાવી પણ યાદ રાખો તમણે જ તોફાનો કરાવ્યા હતા… કોઈ ગુજરાતને ભૂલ્યું નથી. તેમ મમતા બેનરજીએ વડાપ્રધાન પર પ્રહાર કરતા જણાવ્યું હતું. તૃણમૂલના પ્રમુખે રેલીમાં હાજર લોકોને જણાવ્યું તેઓ તમને તગેડી મૂકશે. ભાજપ પશ્ચિમ બંગાળમાં એનઆરસીનો અમલ કરીને આપણને ડરાવી રહ્યું છે… તેમને પ્રયત્ન કરવા દો…. જોઈએ શું થાય છે.