(એજન્સી) લખનૌ, તા.૧૩
સ્વતંત્રતા દિવસના અવસર પર યુપીના મદ્રેસાઓને લઈને યોગી સરકાર દ્વારા જારી કરવામાં આવેલ આદેશ પર મુસ્લિમ ધર્મગુરૂઓએ વાંધો ઉઠાવ્યો છે. મુસ્લિમ ધર્મગુરૂઓનું કહેવું છે કે, રાષ્ટ્રગાન ગાવું અને તેની વીડિયો રેકોર્ડ કરવી ઈસ્લામની વિરૂદ્ધ છે. ભાજપ યોગી સરકારના નવા આદેશ મુજબ ૧પ ઓગસ્ટના દિવસે બધા મદ્રેસાઓમાં ધ્વજારોહણ અને રાષ્ટ્રગીત ગાવામાં આવે અને આની વીડિયો રેકોર્ડીંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. બરેલી શહેરના કાઝી મૌલાના અસજદ રઝાખાને કહ્યું કે રવિન્દ્રનાથ ટાગોરના રાષ્ટ્રગીતમાં બ્રિટિશ કિંગ જોર્જ પંચમની પ્રશંસા કરાઈ છે. તેમણે કહ્યું કે ઈસ્લામ મુજબ અમારો ‘અધિનાયક’ માત્ર અલ્લાહ છે. અસજદખાનનું કહેવું છે કે, અમે રાષ્ટ્રગીતનો અપમાન નથી કરતાં પણ અમારી ધાર્મિક લાગણીઓને લીધે અમે અને ગાઈ પણ નથી શકતા. આ પહેલાં રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહ પણ રાષ્ટ્રગીત પર આપત્તિ જાહેર કરી મૂકયા છે. આદેશને લઈને બધા મુસ્લિમ ધર્મગુરૂઓના અલગ-અલગ મંતવ્યો સામે આવી રહ્યા છે. ધર્મગુરૂઓનું કહેવું છે કે, ઈસ્લામ ધર્મના લોકોની દેશભક્તિ પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. મુસ્લિમો પર ભરોસો ન હોવાથી પણ વાત સામે આવી છે અને લઘુમતી સમુદાય માટેના આ આદેશને અનોપચારિક બતાવ્યો છે. મુસ્લિમ ધર્મગુરૂઓએ બધા મૌલવીઓને અપીલ કરી છે કે, સ્વતંત્રતા દિવસને દેશભક્તિના દિવસ તરીકે ઉજવે અને રાષ્ટ્રગીત ગાવા અને વીડિયો રેકોર્ડીંગ કરવાથી બચે. અધિકારીક પરિપત્ર મુજબ ૧પ ઓગસ્ટના રોજ ધ્વજારોહણ કરવું અને રાષ્ટ્રગીત ગાવંુ જોઈએ. એની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવવા જોઈએ અને આઝાદીમાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. પરિપત્રમાં લઘુમતી સમુદાયના લોકોને કહેવામાં આવ્યું છે કે, તેઓ ધ્વજારોહણ અને રાષ્ટ્રગીતનું રેકોર્ડીંગ પણ કરે અને એની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરે. યોગી સરકારના આદેશ પર મુસ્લિમ ધર્મગુરૂઓએ વિરોધ કર્યો છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સભ્ય મૌલાના ખાલીદ રાશીદ ફરંગી મહલીએ કહ્યું કે મુસ્લિમ સમુદાયના મદ્રેસાઓમાં ૧૯૪૭થી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરતાં આવ્યા છીએ. દલીલ આપતાં તેમણે કહ્યું કે આવા આદેશનો હેતુ શું છે. જો આ આદેશ યુપી સરકાર બધી શાળાઓમાં, કોલેજોમાં દફતરોમાં પણ લાગુ કર્યો હોત તો અમને કોઈ આપત્તિ ન હતી. પણ ખાલી મદ્રેસાઓમાં જ લાગુ કરાયો છે. જે ખૂબ જ ગેરવ્યાજબી છે. મદ્રેસાઓ હોવાને કારણે ત્યાં દેશભક્તિ પર શક ના કરી શકાય. જ્યાં ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લૉ બોર્ડના સભ્ય યાસુબ અબ્બાસે કહ્યું કે અમને મદ્રેસાઓમાં વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવા પર કોઈ આપત્તિ નથી સિવાય કે આ આદેશને બધી શિક્ષણ સંસ્થાઓ પર લાગુ કરવામાં આવે. મુસ્લિમોની દેશભક્તિ અને ભરોસાને સવાલ હોય તો અમે મદદ કરવા માટે તૈયારી છીએ. પણ અમને શંકાની નજરે જોવામાં આવે છે જે અમને મંજૂર નથી. યુપીના ભાજપ નેતા રોમાના સિદ્દીકીએ આદેશને વધાવતા કહ્યું કે ૧પ ઓગસ્ટના સ્વતંત્રતા દિવસને સમગ્ર ભારત પોતાના હૃદયથી દેશભક્તિને બતાવી આ તહેવાર ઉજવે છે તો આમાંથી મદ્રેસાઓ કેમ બાકાત રહે. શાળાઓમાં પણ સ્વતંત્રતાના દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરે છે તો મદ્રેસાઓ કેમ નહીં. યુપીના લઘુમતી સમુદાયના નેતા લક્ષ્મી નારાયણ ચૌધરીએ કહ્યું કે અમે મદ્રેસાઓને કહ્યું છે કે, તેઓ કાર્યક્રમની વીડિયોગ્રાફી કરાવે કારણ કે અમને જોવું છે કે, કયા મદ્રેસાઓમાં ઉજવણી થઈ છે કે નહીં જો ના થઈ હોય તો એ મદ્રેસા સામે યોગ્ય પગલાં લેવામાં આવશે. હાલમાં યુપીના ૮,૦૦૦ મદ્રેસાઓમાં આર્થિક સહાય આપવામાં આવી રહી છે જે યુપીના મદ્રેસા શિક્ષા પરિષદના હેઠળ આવેલા છે. જેમાંંથી પ૬૦ મદ્રેસાઓને સંપૂર્ણ સહાય આપવામાં આવી રહી છે.