(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,મેઘરજ,તા.૧૩
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક અવાી રહી છે તેમ રાજકીય પક્ષોના પ્રચારમાં બરોબરનો ગરમાવો આવી રહ્યો છે. ચૂંટણી પ્રચારમાં લાગેલા રાજકીય નેતાઓ આક્ષેપ પ્રતિઆક્ષેપોની સાથે બેફામ વાણીવિલાસ કરી રહ્યા છે. એટલું જ નહી કેટલીકવાર તો આ નેતાઓની જીભ લપસી પડતા ભાંગરો પણ વાટી નાખતા હોય છે અને તેના કારણે તેઓ ક્ષોભજનક સ્થિતિમાં પણ મુકાઈ જતા હોય છે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આવું જ કંઈક ન બોલવાનું જાહેરમાં બોલી નાખતા રાજકીય વર્તુળોમાં તેની ચર્ચા થઈ રહી છે. સાબરકાંઠા જિલ્લાની ચૂંટણીસભામાં તેમણે જાહેરમાં આડકતરી રીતે સ્વીકાર કર્યો હતો કે કેન્દ્ર સરકાર આવકવેરા વિભાગનો કોંગ્રેસ સામે ઉપયોગ કરી રહી છે અને મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી કમલનાથ સાથે સંકળાયેલાઓને ત્યાં આ રીતે જ દોરડા પડયા હતા. મેઘરજ ખાતે ચૂંટણીને લઈ યોજાયેલી જાહેરસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસને આડે હાથે લઈ આકરા પ્રહારો કર્યા હતા એક બાજુ રાહુલ બાબાને ખેડબ્રહ્માનું નામ પણ બોલતા નહીં આવડતું હોવાના તીખા વાકબાણ કરનાર મુખ્યમંત્રી વિજય રૂપાણી ખુદ સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર દીપસિંહ રાઠોડનું નામ લેવાનું ભૂલી ગયા હતા. નરેન્દ્ર મોદી અને કમળના નિશાનને વોટ આપવા અપીલ કરતા ઉમેદવારનું નામ જ સભા દરમિયાન ન બોલતા લોકોમાં આશ્ચર્ય પેદા થયું હતું.
આ સભા દરમિયાન તેમણે જાહેરમાં ઘણું બધું કહી દીધું હતું. મધ્યપ્રદેશના કોંગ્રેસના મુખ્યમંત્રી કમલનાથ સાથે સાંકળયેલા લોકોના ૫૦ ઠેકાણે આઈ.ટી એ દરોડા પાડ્યા હતા. આ સંદર્ભે તેમણે કરેલી વાતથી એવું સ્પષ્ટ થયું હતું કે લોકસભાની ચૂંટણીમાં વૈમનસ્ય રાખી ભાજપના ઈશારે આવકવેરા વિભાગે દરોડા પાડી કરોડો રૂપિયા રોકડા અને બેનામી બિનહિસાબી સંપત્તિ ઝડપી લીધી છે. કેન્દ્ર સરકાર આવકવેરા વિભાગના અધિકારીઓને કઠપૂતળી બનાવીને કોંગ્રેસ સામે ઉપયોગ કરી રહી હોવાનો તેમણે આડકતરો સ્વિકાર કર્યો હતો. અગાઉ ભાજપના નેતાઓ અને પ્રવક્તાઓએ કોંગ્રેસના આક્ષેપને ફગાવી દીધા હતા ત્યારે કોંગ્રેસના આક્ષેપને સાચા પુરવાર કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે ચાર મહિનામાં મધ્યાહ્ન ભોજનમાં ગોટાળો કરી ૭૦૦ કરોડનું કૌભાંડ આચરતા ચોકીદારે રેડ પડાવી બધા લોકો પાસેથી રૂપિયા નીકળ્યા એટલે બૂમો પાડે છે તેમ ભાર પૂર્વક જણાવ્યું હતું. એટલે બધા ભેગા થઈ મોદી હટાવો મોદી હટાવોની બૂમો પાડે છે, મોદી વધુ ૫ વર્ષ રહેશે તો આ બધા કૌભાંડીઓને જેલ ભેગા કરી દેશે ચોકીદાર ચોર નહીં સ્યોર હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસ ગરીબો, દલિતો, મુસ્લિમોના મતો મેળવવા ભાગલા પાડી રહી છે, ભાજપ રાષ્ટ્રવાદમાં માનતી પાર્ટી હોવાની સાથે કોઈ પણ સમાજ કે જાતિના દરેક વ્યક્તિના વિકાસમાં માનતી હોવાનું જણાવ્યું હતું. તેમણે પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહની નકલ કરતા જણાવ્યું હતું કે મનમોહનસિંહ એટલું ધીમું બોલતા ત્યાં સુધીમાં આતંકવાદી ધમાકા કરીને નીકળી જતા મુખ્યમંત્રીએ મંચ પરથી કહ્યું,“ મરદની મૈયતમાં જવાય નમાલા લોકો ભેગું ન જવાય. તમે એક હરફ ઉચ્ચારતા નહોતા હમ દેખતે હે.. હમ સોચતે હે.. મનમોહનસિંઘ આવું ધીમું ધીમું બોલતા ત્યાં તો બીજા ધડાકા થઈ ગયા હોય. આ ત્રાસવાદીઓ આલ્યા માલ્યા જમાલ્યાઓ આપણી ટાપલા મારતા ગયા. તમારી આ હિમ્મતવગરની નીતિઓના કારણે તેમનું જોર વધતું ગયું.” તેમણે વધુમાં ઉમેર્યું હતું.