(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૯
આણંદ શહેર લઘુમતી સમાજનાં ઉપક્રમે આણંદ શહેરનાં પરિવાર પાર્ટી પ્લોટ ખાતે ગત રાત્રે આણંદ મુસ્લિમ લઘુમતી સમાજ સ્નેહ મિલન સમારોહ યોજાઈ ગયો.
તિલાવતે કુરઆનથી કાર્યક્રમનો પ્રારંભ થયા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં મંત્રી એમ.જી.ગુજરાતીએ પ્રાંસગિક પ્રવચન કરતા કહ્યું હતું કે સમગ્ર મુસ્લિમ સમાજ દાયકાઓથી કોંગ્રેસની સાથે જોડાયેલો છે અને તેના કારણે કોંગ્રેસ અને મુસ્લિમ સમાજ વચ્ચે એક અનેરો નાતો રહેલો છે. ત્યારે મુસ્લિમ સમાજ પણ કોંગ્રેસ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુસ્લિમ સમાજના પ્રશ્નોના નિવારણ અને વિકાસ માટે જોડાયેલા રહે તે જરૂરી છે.
આ પ્રસંગે અમદાવાદ દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે આજે દેશમાં કોમ-કોમ વચ્ચે નફરત ફેલાવી પોતાની રાજકીય ખીચડી શેકતા ફાસીસ્ટ તત્વો સોશિયલ મીડિયામાં કોમ-કોમ વચ્ચે વધુ નફરત ફેલાય અને દેશમાં એકતા અને ભાઈચારાને નુકશાન થાય તે રીતે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આપણે આવા તત્વોને જંગી મતદાન કરીને ઝડબાતોડ જવાબ આપવાની જરૂર છે, કેન્દ્રમાં યુપીએ સરકાર દ્વારા ગરીબો અને મધ્યમવર્ગીય પ્રજા માટે અનેક યોજનાઓ મુકી અને આ યોજનાઓ પર ભાજપની એનડીએ સરકારે પૂર્ણવિરામ મૂકી દીધા છે.
અમદાવાદના જમાલપુર ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે ગરીબો અને મધ્યવર્ગીય પરિવારોની ચિંતા કરતી કોંગ્રેસનાં રાહુલ ગાંધીએ જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવશે તો પાંચ લાખ પરિવારને વાર્ષિક ૭૨ હજાર આપવાની ન્યાય યોજનાની જાહેરાત કરી છે. જે દેશના ૨૫ કરોડ લોકોને ફાયદો કરશે કોગ્રેસ આપેલા વચનો પૂરા કરે છે, જે પંજાબ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસ સત્તા સ્થાને આવતાની સાથે જ ખેડૂતોનાં દેવા માફ કરીને વચન પુરૂ કર્યું છે.
આ પ્રસંગે આણંદના ધારાસભ્ય કાંતીભાઈ સોઢાએ જણાવ્યું હતું કે કોંગ્રેસએ બિનસાંપ્રદાયિકતાને વરેલો પક્ષ છે, આપણે સૌ એક છીએ અને આપણા સૌની રંગેરંગમાં કોંગ્રેસની વિચારધારાનું લોહી વહી રહ્યું છે, ત્યારે દેશને બચાવવા માટેની વિચારધારાને આગળ વધારવા માટે તેઓએ આગામી ચૂંટણીમાં જંગી મતદાન કરી ભાજપને ઝડબાતોડ જવાબ આપવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે કોંગ્રેસનાં ઉમેદવાર અને દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે હું આપ સૌનાં પ્રેમથી બંધાયેલો છું અને આપની સાથે પ્રેમથી બંધાયેલો રહીશ. આ વિસ્તારના ઘણા કામો કરવાના બાકી છે. સારી સરકારી શાળા અને માધ્યમિક શાળાનું નિર્માણ કરવાનું છે, તે માટે તેઓએ તૈયારી બતાવી હતી, તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની યુપીએ સરકારે લઘુમતી સમાજના ઉત્થાન માટે ૧૫ મુદ્દાનો કાર્યક્રમ લાવી અને અનેક વિકાસનાં કામો કર્યા પરંતુ આરએસએસની ખાદી ચડ્ડી વાળાઓ દ્વારા ખોટો પ્રચાર કરવામાં આવ્યો, દુષ્પ્રચાર કરવામાં આવ્યો, પરંતુ જો કોંગ્રેસએ ભ્રષ્ટાચાર કર્યો હોય તો ભાજપની સરકાર છે, શા માટે એક પણ કોંગ્રેસનાં નેતાની ધરપકડ કરવાની ભાજપ હિમંત બતાડતું નથી.
આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ લઘુમતી ડીપાર્ટમેન્ટનાં વજીરખાન પઠાણ, આણંદ જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ ઐયુબભાઈ બતોલા, એમ.એમ.પઠાણ રાજા, નિવૃત વર્ગ-૧ અધિકારી અને આણંદ શહેર શુન્ની મુસ્લિમ વેલ્ફેર ટ્રસ્ટનાં ચેરપરસન હાજી મુસ્તુફામિયાં ઠાકોર, નિવૃત્ત ડીવાયએસપી અને ખ્વાજા ગરીબ નવાજ બયતુલમાલ વકફ ટ્રસ્ટના પ્રમુખ હાજી એમ.યુ.મિરઝા, ઉસ્માનભાઈ એન્જિનિયર, ઉસ્માનભાઈ બંગડીવાળા, આણંદ પાલિકા વિપક્ષનાં નેતા ઈદ્રીસભાઈ ઉર્ફે ભાણાભાઈ, ઈન્કમટેક્ષના નિવૃત્ત સુપ્રિટેન્ડન્ટ રિયાઝુદ્દીન કાદરી, નિવૃત્ત પાલિકાના ચીફ એન્જિનિયર સાદીકઅલી સૈયદ, રોશનબેન મેમણ, ડૉ.જાવેદ મેમણ તેમજ ઐયુબભાઈ બુઈ સહિત આણંદની વિવિધ સંસ્થાઓનાં પદાધિકારીઓ અને કાઉન્સીલરો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભરતભાઈ સોલંકીનું સ્વાગત કર્યું હતું, સમગ્ર કાર્યક્રમનું સંચાલન એમ.જી મન્સુરીએ કર્યું હતું.