(એજન્સી) નવી દિલ્હી, તા.૨૪
દિલ્હીની ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી ટિકિટ ન મળતા નારાજ થયેલા ભાજપના સાંસદ ઉદિત રાજ બુધવારે કોંગ્રેસમાં સામેલ થઇ ગયા હતા. તેઓ કોંગ્રેસ અધ્યક્ષરાહુલ ગાંધીની હાજરીમાં પાર્ટીમાં સામેલ થયા હતા. બુધવારે સવારે ઉદિત રાજે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલગાંધી સાથે મુલાકાત કરી હતી અને તેમણે પાર્ટીમાં તેમનું સ્વાગત કર્યું હતું. ઉદિત રાજે પણ રાહુલ ગાંધીનો આભાર માન્યો હતો. કોંગ્રેસ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં ઉદિત રાજે ભાજપ પર પ્રહાર કરતા આરોપ લગાવ્યો હતો કે, ભાજપ એક દલિત વિરોધી પાર્ટી છે, ભાજપ પછાત વિરોધી પાર્ટી છે, હું તો ૨૦૧૪ની આસપાસ જ કોંગ્રેસમાં સામેલ થવા માગતો હતો.
પાછલી લોકસભા ચૂંટણીમાં ઉત્તરપશ્ચિમ દિલ્હી બેઠક પરથી ભાજપની ટિકિટ પર સાંસદ બનેલા ઉદિત રાજને આ વખતે ટિકિટ આપવામાં આવી ન હતી જે બાદ તેઓ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઉદિત રાજની ટિકિટ કાપીને ભાજપે હંસરાજ હંસને ટિકિટ આપી છે. દિલ્હીની ઉત્તરપશ્ચિમ સંસદીય બેઠક પરથી સાંસદ ઉદિત રાજે મંગળવારે દાવો કર્યો હતો કે, તેમના પર ભાજપ છોડી દેવા માટે દબાણ કરવામાં આવી રહ્યો છે. ઉદિત રાજ ૨૦૧૪માં ઉત્તરપશ્ચિમ બેઠક પરથ વિજયી થયા હતા. ટિકિટ કાપવા અંગે સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, એસસી-એસટી સંશોધન બિલ અંગે બંધની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે મેં બિલનો વિરોધ કર્યો હતો. તેથી જ પાર્ટી નેતૃત્ત્વ મારાથી નારાજ થયું છે. જ્યારે સરકાર તરફથી કોઇ ભરતી કરવામાં આવતી નથી તો શું મારે આ મુદ્દાને ઉઠાવવો ના જોઇએ ? હું દલિતોના મુદ્દાને વારંવાર ઉઠાવતો રહીશ. મને દલિત આંદોલનના સમર્થન બદલ ટિકિટ કાપીને સજા કરવામાં આવી છે.
ઉમેદવાર બનાવવાનો ઇન્કાર કરાતાં કેન્દ્રીય મંત્રી સાંપલાએ કહ્યું, ભાજપે ગૌહત્યા કરી નાંખી
લોકસભા ચૂંટણીઓ માટે ભાજપે ઉમેદવારોના નામોની મંગળવારે જાહેરાત કર્યા બાદ અસંતોષનો જ્વાળા ભડક્યો હતો. હોશિયારપુરથી ટિકિટ નહીં મળતા કેન્દ્રીય મંત્રી વિજય સાંપલાએ કહ્યું કે, તેઓ ભારે દુઃખી છે અને ભાજપે આજે ગૌહત્યા કરી નાખી છે. ટિ્વટર પર વિજય સાંપલાએ સવાલ કર્યો કે, કોઇ મારો ગુનો તો બતાવે, મારી ભૂલ શું છે ? મારી સામે ભ્રષ્ટાચારનો કોઇ આરોપ નથી. મારા કામકાજ પર કોઇ આંગળી ચીંધી શકે નહીં. વિસ્તારમાં એરપોર્ટ બનાવ્યો, ટ્રેનો ચલાવી, માર્ગો બનાવ્યા, જો આજ મારો ગુનો હોય તો હું આગામી ે પેઢીઓને કહીશ કે આવી ભૂલ ક્યારેય ના કરતા. ભાજપે મંગળવારે મોડી સાંજે પંજાબના ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી જેમાં હોશિયારપુરથી સોમ પ્રકાશને ટિકિટ આપતા સાંપલા નારાજ થયા હતા.