(એજન્સી) અંકારા,તા.૧૪
ઈસ્તંબુલમાં આવેલા એક પોલીસ સ્ટેશનની નજીક દાઈશ ગ્રુપના એક શંકાસ્પદ સભ્ય દ્વારા પોલીસકર્મીની ચાકુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. આ હુમલાખોર આત્મઘાતી વિસ્ફોટ કરવાની તૈયારીમાં હતો, તેવી પોલીસકર્મીને શંકા જતા આ હુમલાખોરે તેની હત્યા કરી હતી. આ ઘટના લગભગ રાત્રિના ૧૧ કલાકે બની હતી. જો કે, હાલ તો આ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ઘાયલ થયેલા પોલીસકર્મીને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ તેમણે પોતાનો દમ તોડી દીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલાખોર હુમલો કરવા માટે ચાકુ લઈ જવામાં કેવી રીતે સફળ રહ્યો તે હજી સુધી જાણી શકાયું નથી.
તુર્કીના ઈતિહાસમાં ૨૦૧૬નું વર્ષ લોહિયાળ રહ્યું હતું. આ સમયે કરવામાં આવેલા આતંકી હુમલાઓમાં સેંકડો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ હુમલા માટે આઈ.એસ. જેહાદીઓને દોષી ઠેરવવામાં આવ્યા કે જેઓએ ત્રણ દાયકાઓથી પાડોશી દેશ સીરિયા અને ઈરાક તથા કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટી પર કબજો મેળવી લીધો હતો અને તેઓએ આ માટે તુર્કીશ રાજ્ય સાથે લડાઈ પણ લડી છે. ઈસ્તંબુલમાં નવા વર્ષના દિવસે ૨૦૧૭માં થયેલા માત્ર ૭૫ મિનિટના એક હુમલામાં લગભગ ૩૯ લોકો મોતને ભેટ્યા હતા. આ હુમલા બાદ મોટાભાગના શહેરોમાં તણાવગ્રસ્ત માહોલ જોવા મળે છે.