Site icon Gujarat Today

ફેસબુક ઉપર કિશોરી સાથે પ્રેમ કરવો રાજકોટના યુવકને ભારે પડ્યો

(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર,તા.ર૬
સોશિયલ મીડિયા થકી પ્રેમ પાંગરતા હોવાના કિસ્સાઓ પણ ઘણીવાર સામે આવતા હોય છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં સોશિયલ મીડિયા થકી તરુણીને યુવક સાથે પ્રેમ થાય છે અને બાદમાં પિતાએ પુત્રીના પ્રેમીને કારખાનામાં પુરીને ઢોર માર માર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે રાજકોટના જયનગર મેઈનરોડ પર રહેતા દિવ્યેશ ઉર્ફે દિવો તુલસીદાસ ગોંડલીયાને પ્રેમિકાના પિતા ચંદ્રેશભાઈ ગજેરા અને સાથે રહેલા રમણીકભાઈ, પીળા શર્ટ તથા દાઢી વાળો ઈસમ અને અન્ય બે ઈસમોએ મળી કારખાનામાં પુરી પાઈપ, ધોકા વડે બેરહેમીથી મારમાર્યાનો બનાવ આજીડેમ પોલીસમથકે નોંધાયો છે.
પોલીસના સુત્રોની વિગતો મુજબ દિવ્યેશને નજીકમાં રહેતા ચંદ્રેશભાઈની ૧૪ વર્ષીય પુત્રી સાથે ફેસબુક મારફતે સંપર્ક થયો હતો. પહેલા બંને વચ્ચે મિત્રતા કેળવાઈ અને સંપર્ક વધતા પ્રેમ પાંગર્યો હતો. દિવ્યેશ નાબાલી પ્રેમિકાને બાઈક પર ચોટીલા ફરવા લઈ ગયો હતો. જે અંગે તરૂણીના પિતા ચંદ્રેશભાઈને ખ્યાલ આવી જતા દિવ્યેશને ચંદ્રેશભાઈએ વાત કરવાના બહાને ગોંડલ રોડ માલધારી ફાટક પાસે બાલાજી ઈન્ડ.એરીયામાં આવેલા શિવ એન્ટરપ્રાઈઝ નામના કારખાને બોલાવ્યો હતો.
કંઈક ગડબડના ડરે દિવ્યેશ મિત્ર કાનો રમણીકભાઈ કુકડીયાને પણ સાથે લઈ ગયો હતો. કારખાને પહોંચતા ચંદ્રેશભાઈ અને સાથે રહેલા અન્યો શખ્સોએ વાતની સાથે મારઝુડ ચાલુ કરતા ડરી ગયેલો મિત્ર નાસી ગયો હતો.
દિવ્યેશને શરીર પર પ્લાસ્ટિક પાઈપ, ધોકા વડે ફટકાર્યો હતો અને તેના પરિવારજનોને બોલાવીને સોંપી દીધો હતો. દિવ્યેશના પિતા હયાત ન હોવાથી તે તેના કાકા સાથે રહે છે. ઈજા થઈ હોવાથી સારવારમાં સિવિલમાં ખસેડાયો હતો જ્યાં આજીડેમ પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version