સુરેન્દ્રનગર, તા.ર
સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા ગુજરાતના ૫૯માં સ્થાપના દિવસે કલેકટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી કે, જિલ્લાના ૨૦ લાખ લોકોના આરોગય જાળવણી માટે આશિર્વાદરૂપ સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબોની લાંબા સમયથી ખાલી પડેલ જગ્યા પર નિયુક્તિ ન થવાને કારણે ઝાલાવાડના ગરીબ દર્દીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેથી તાત્કાલિક ધોરણે નિયુક્તિ કરવામાં આવે તેમ રજૂઆત કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર એક જ એમ.ડી. ફીજીશયન છે જે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે, જેથી સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ફીજીશયનને મુકવાની તાતી જરૂરિયાત છે.
તદુપરાંત આંખના રોગ નિષ્ણાંત, હાડકા રોગ નિષ્ણાંત, કાન-નાક નિષ્ણાત, માનસિક રોગ નિષ્ણાંત, ચામડી રોગ નિષ્ણાંત, રેસીડનટ મેડિકલ ઓફિસર, કાર્ડિયોલોજીસ્ટ, રેડિયોલોજીસ્ટ, યુરોલોજીસ્ટ, સ્ત્રીરોગ તથા એમ.બી.બી.એસ. ડોકટરની ૭ જગ્યા પર નિયુક્તિ કરવામાં આવવી જોઈએ. અકસ્માતમાં દાજી ગયેલ દર્દીઓ માટે બર્નસ વોર્ડ બંધ હાલતમાં છે જેમાં એરકન્ડિશન્ડ તથા સારવાર આપતી ટીમ મુકી કાર્યરત કરવાની તાતી જરૂરિયાત છે. એકસ-રે ટેકનીશયનની જગ્યા ભરવી જરૂરી છે.
થેલેસેમીયા રોગી અને લોહીની ખામીથી થતા રોગીઓને લોહી ચડાવવાની જરૂરિયાત હોય છે પણ હાલમાં અહીની બ્લડ બેંક ગમે તે કારણ સર બંધ હાલતમાં છે તે તાત્કાલિક ધોરણે કાર્યરત કરવાની જરૂર છે.
સિવિલ હોસ્પિટલમાં સફાઈના નામે ઝીરો છે, ઠેર-ઠેર કચરાના ઢગલા પડ્યા હોય છે, આજુબાજુના લારી-ગલ્લાવાળા બહારનો કચરો હોસ્પિટલના દરવાજાની અંદર ફેકતા હોવાને લીધે દાખલ દર્દીઓનું આરોગ્ય જોખમમાં મુકાય છે, જેથી હોસ્પિટલમાં કચરો ફેકતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે.
આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મનુભાઈ પટેલ, સુબોધ જોષી, કલ્પના બહેન ધોરીયા, ચેતનભાઇ ખાચર, કમલેસભાઈ કોટેચા, સાહિર સોલંકી રોહીતભાઈ પટેલ, દીલીપ ડગલા તથા કોંગ્રેસી કાર્યકરો દ્વારા આવેદનપત્ર પાઠવીને સમય મર્યાદામાં તબીબોની નિયુક્તિ કરવામાં વિલંબ થશે તો ઝાલાવાડની જનતાને સાથે રાખીને અહિંસક આંદોલન કરવાની ફરજ પડશે.