(એજન્સી) જમ્મુ, તા. ૬
જમ્મુ-કાશ્મીરની અનંતનાગ અને પુલવામા બેઠક પર સોમવારે મતદાન ચાલુ હતું ત્યારે પુલવામા જિલ્લાના પોલિંગ સ્ટેશન તરફ ઉગ્રવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. પુલવામામાં રૂમહુ પોલિંગ સ્ટેશન તરફ ગ્રેનેડ ઝીંકાયો હતો પણ બ્લાસ્ટમાં કોઇ જાનહાનિ કે કોઇને ઇજા ન થઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, વિસ્ફોટ બાદ તમામ વિસ્તારને સલામતી દળોએ ઘેરી લીધો હતો. જમ્મુ-કાશ્મીરમાં લોકસભા ચૂંટણી દરમિયાન પોલિંગ સ્ટેશન પર આ પ્રથમ ઉગ્રવાદી હુમલો હતો.
સોમવારે જમ્મુ-કાશ્મીરના પુલવામા અને શોપિયાં જિલ્લાના અનંતનાગમાં મતદાન યોજાયું હતું જે બેઠકનો કુલગામ જિલ્લામાં પણ સમાવેશ થાય છે. કાશ્મીરની આ બેઠક પર સલામતીના કારણોસર ત્રણ તબક્કામાં મતદાન થઇ રહ્યું છે. અનંતનાગ બેઠક પર ૨૩મી એપ્રિલે મતદાન થયું હતું જ્યારે કુલગામની અનંતનાગ બેઠક પર ૨૯મી એપ્રિલે મતદાન યોજાયું હતું. અનંતનાગ લોકસભા વિસ્તારમાં કુલ ૧૮ ઉમેદવારો મેદાનમાં છે જેમાં પીડીપીના અધ્યક્ષ તથા જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિનો પણ સમાવેશ થાય છે.