અમદાવાદ,તા. ૭
રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પ્રજાજનોને પરસેવે રેળ-ઝેળ કરી રહી છે લોકો આકરા ઉનાળાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આગામી બેથી ત્રણ દિવસમાં રાજ્યમાં કેટલાક સ્થળોએ વરસાદ થાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આ વરસાદથી એક તરફ તો ગરમીમાં લોકોને આંશિક રાહત મળશે ત્યારે પાકને નુકસાન થવાની ભીતિને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે.
અમદાવાદ સહિત ગુજરાતમાં ફરી એકવાર ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ગઈકાલે સોમવારની સરખામણીમાં આજે મંગળવારના દિવસે અમદાવાદ ગરમીનું પ્રમાણ વધ્યું હતું. અમદાવાદમાં આજે પારો વધીને ૪૨ ઉપર પહોચી ગયો હતો. આ ઉપરાંત અમરેલીમાં પણ મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી રહ્યું હતું. ગરમીનું પ્રમાણ વધી જતા બપોરના ગાળામાં લોકોએ તીવ્ર ગરમીનો અનુભવ કર્યો હતો. રસ્તાઓ પણ સુમસામ દેખાયા હતા. જરૂરી કામથી જ લોકો બહાર નીકળ્યા હતા. મોટા ભાગના લોકો ઘરે અને ઓફિસામા જ રહ્યા હતા. બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી ૨૪ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહી પરંતુ ત્યાર બાદ લઘુત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનું ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં હજુ પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના અને ખાસ કરીને બનાસકાંઠામાં પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદી માહોલ રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં હાલમાં કોઈ વધારે ફેરફારની સ્થિતિ જોવા મળશે નહીં. હિટવેવને લઇને કોઇપણ પ્રકારની ચેતવણી જારી કરવામાં આવી નથી જેથી સામાન્ય લોકોને રાહત થઇ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ તીવ્ર ગરમીનું મોજુ હાલમાં ફરી વળ્યું છે. હવામાનમાં એકાએક ફેરફારની સ્થિતિના પરિણામ સ્વરુપે લોકોને અને ખાસ કરીને બાળકોને સાવચેત રહેવાની સલાહ તંત્ર દ્વારા આપવામાં આવી છે. હાલમાં હવામાનમાં આવેલા પલ્ટા વચ્ચે સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેથી ગરમીથી આંશિક રાહત મળી હતી પરંતુ હવે ગરમીનું પ્રમાણ ફરી વધવાની શક્યતા છે. આજે સોમવારની સરખામણીમાં પારો વધ્યો હતો. હવામાન વિભાગ તરફથી સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ભાગો ખાસ કરીને રાજકોટ, પોરબંદર, કચ્છમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં હળવા ઝાપટા પડવાની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. હાલમાં બેવડી સિઝન ફરી વાર જોવા મળી રહી છે. કારણ કે તાપમાનમાં સતત ફેરફાર જોવા મળે છે.