(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૧
લોકસભાની ચાલી રહેલી ચૂંટણીઓ દરમિયાન બહુજન સમાજ પાર્ટી (બસપા)ના વડાં માયાવતીએ કોંગ્રેસ સામે વારંવાર આકરા પ્રહારો કર્યા હોવા છતાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ શનિવારે એનડીટીવીને જણાવ્યું કે દેશ માટે માયાવતીએ આપેલા ફાળા બદલ તેઓ માયાવતીનો આદર કરે છે અને તેમને એક રાષ્ટ્રીય પ્રતીક માને છે. રાહુલ ગાંધીએ ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે માયાવતી રાષ્ટ્રીય પ્રતીક છે. તેઓ અમારા પક્ષનાં નથી, બસપાના છે પરંતુ માયાવતીએ દેશને એક સંદેશ આપ્યો છે. હું તેમનો આદર અને પ્રેમ કરૂં છું. ચોક્કસપણે અમારી રાજકીય લડાઇ છે અને અમે કોંગ્રેસની વિચારસરણી માટે લડીએ છીએ. માયાવતી ઉત્તર પ્રદેશમાં દલિત સમુદાયના એક વગદાર નેતા છે, તેમણે ચૂંટણીઓ દરમિયાન કોંગ્રેસ સામે ઘણા પ્રહારો કર્યા છે અને હાલમાં પણ કોંગ્રેસ સામે તેમના હુમલા ચાલુ છે. એક તબક્કે તો માયાવતીએ કોંગ્રેસને સાંપ ગણાવી હતી અને કોંગ્રેસ ભાજપ જેટલી જ ખરાબ છે. આજે શનિવારે માયાવતીએ ૨૬મી એપ્રિલે એક દલિત મહિલા પર થયેલા ગેંગરેપ અંગે રાજસ્થાનની કોંગ્રેસ સરકારની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે રાજસ્થાન સરકારે પોતાના રાજકીય લાભ ખાતર ચૂંંટણીઓ પુરી નહીં થાય ત્યાં સુધી આ ઘટના દબાવી દીધી હતી. એટલું જ નહીં, સરકારે આ ઘટના વિશે ચુપ રહેવાનું પીડિતાના પરિવારને ધમકી પણ આપી હતી.