નવી દિલ્હી,તા.૧૪
સુપ્રીમકોર્ટે ભાજપાના યુવા નેતા પ્રિયંકા શર્માના શરતી જામીન મંજૂર કર્યા હતા અને નિર્દેશો આપ્યા હતા કે એ મમતા બેનરજી પાસે લેખિતમાં માફી માંગે. સુપ્રીમકોર્ટે પોતાનો ચુકાદો જાહેર કર્યા પછી શર્માના વકીલ એન.કે. કોલને પાછા બોલાવ્યા અને પોતાના ચુકાદામાં સુધારો કરી માફી માગવાની શરતને દૂર કરી. આ પહેલા સુપ્રીમકોર્ટની વેકેશન બેંચે આ મુદ્દે કડક વલણ અપનાવ્યું હતું. પ્રિયંકાના વકીલે દલીલ કરી હતી કે એમના અસીલે પોસ્ટને તરત જ ભૂંસી નાખી હતી અને આ પોસ્ટને બીજા ઘણા બધા લોકોએ શેર કરી હતી. એ માટે પ્રિયંકાને ૧૪ દિવસ માટે જેલમાં મોકલવાનો નિર્ણય યોગ્ય નથી અને એ મૂળભૂત અધિકારોનો ભંગ છે. શર્માના વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે પ્રિયંકાની માફી માગવાની શરત યોગ્ય નથી. કોર્ટના નિર્દેશોનો દુરૂપયોગ કરવામાં આવશે. આ રીતના કાર્ટુન ચિત્રો પોસ્ટ કરવા બદલ માફી માગવાની અને માગણી કરવાની પ્રથા શરૂ થશે.