Site icon Gujarat Today

ઉમરેઠના સામૂહિક કેન્દ્રમાં ડીડીઓનો દરોડો એક્સપાયરી દવાઓનો જથ્થો મળ્યો

(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૧૫
આણંદ જિલ્લાનાં ઉમરેઠ ખાતે આવેલી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આજે જિલ્લા વિકાસ અધિકારી અમિતપ્રકાસ યાદવએ ઓચિંતો છાપો મારી તપાસ હાથ ધરતા હોસ્પીટલમાં તબીબ અને ફાર્મસી સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો હતો,તેમજ નવી દવાઓ અને ઈંજેકશનો કચરા પેટીમાંથી મળી આવ્યા હતા,જયારે ફાર્મસી રૂમમાંથી એક્ષ્પાયરી દવાઓનો જથ્થો મળી આવતા જિલ્લા વિકાસ અધિકારીએ તેની ગંભીર નોંધ લઈ તમામ તબીબ અને કર્મચારીઓને નોટીસ ફટકારી હતી. મળતી વિગતો અનુસાર આણંદનાં જિલ્લા વિકાસ અધિકારી અમિતપ્રકાસ યાદવએ આજે ઉમરેઠ સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી હતી, તેઓ સવારે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચ્યા ત્યારે આરોગ્ય કેન્દ્રમાં તબીબ સહીતને સ્ટાફ ગેરહાજર હતો,તેમજ દર્દીઓની કતારો લાગેલી હતી, તેમજ આરોગ્ય કેન્દ્રની કચરા પેટીમાંથી નવી દવાઓ અને ઈંજેકશનો ફેંકી દેવાયેલા મળી આવ્યા હતા.તેમજ ફાર્મસી રૂમની તલાસી લેતા ફાર્મસી રૂમમાંથી એક્ષપાયર થયેલી દવાઆ અને ઈંજેકશનોનો જથ્થો મળી આવ્યો હતો.જે જોઈ જિલ્લા વિકાસ અધિકારી ચોંકી ઉઠયા હતા,તેમજ તેઓએ તાત્કાલીક તબીબ અને સ્ટાફને આરોગ્ય કેન્દ્રમાં હાજર થવા ફરમાન કરતા તબીબ અને સ્ટાફ આવી પહોંચતા જિલ્લા વિકાસ અધિકારીએ તેઓને ખખડાવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી અમિતપ્રકાસ યાદવએ જણાવ્યું હતું કે તેઓ દ્વારા જિલ્લામાં આવેલા પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રોની ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી રહી છે,જે અંતર્ગત આજે ઉમરેઠનાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં છાપો મારતા ગંભીર ક્ષતીઓ જણાઈ આવી છે,જેથી આરોગ્ય કેન્દ્રનાં સ્ટાફ અને તબીબોને નોટીસ આપી ખુલાસો માંગવામાં આવશે અને ત્યારબાદ શિક્ષાત્મક પગલા ભરવામાં આવશે.તેમજ રીપોર્ટ તૈયાર કરી રાજય સરકારમાં મોકલી અપાશે.

Exit mobile version