પ્રાંતિજ, તા.ર૮
સાબરકાંઠાના પ્રાંતિજમાં આવેલ તાલુકા સેવાસદનમાં જ ફાયર સેફટીને લઇને હાલ તો દિવા તળે અંધારૂ હોય તેવું જણાય છે. અહી ફાયર સેફટીને લઇને બોટલો તો દીવાલ ઉપર જોવા મળે છે પણ એકસ્પાઇરીડેટ થઇ જતાં માત્ર શોભના ગાંઠિયા સમાન છે.
સુરતમાં ટયુશન કલાસીસમાં લાગેલ આગની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં ફાયર સેફટીના નિયમોને લઇને કડકમાં કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે ભરચક્ક વિસ્તારો સહિત સ્કૂલ, કોલેજ, ગેસ્ટ હાઉસોમાં નગરપાલિકા, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરીની ટીમો દ્વારા વિવિધ ભીડભાડવાળા વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નવાઈની વાત તો એ છે કે જ્યાં દિવસ દરમ્યાન હજારોની સંખ્યામાં ખેડૂતો સહિત નગરજનો તાલુકાના લોકોની અવરજવર છે. તે તાલુકા સેવાસદનમાં જ ફાયર સેફટીને લઇને સજાગતા જોવા મળતી નથી. અહીં તો દિવા તળે અંધારૂ હોય તેવું લાગી રહ્યું છે. અહીં ફાયર સેફટી માટેની બોટલો તો દિવાલ ઉપર ઠેર-ઠેર જગ્યાએ લગાવેલી છે. જે છેલ્લા બે ત્રણ વર્ષ અગાઉની એકસ્પાઇરીડેટ છે. અહીં ચાલતી લીફ્ટમાં પણ કોઈ જાતની ફાયરસેફટીની સુવિધા જોવા મળી ન હતી.
આ અંગે પ્રાંતિજ મામલતદાર આર.કે.પટ્ટણીને પૂછતા તેવોએ જણાવ્યું કે, બે દિવસથી અમે ફાયર સેફટીની બોટલોની જે-તે તારીખ વિતી ગઇ હોવાથી રીન્યુઅલ કરવા માટે આગળની પ્રોસસ કરી દેવામાં આવી છે. આજકાલમાં પૂર્ણ થઇ જશે.