(એજન્સી) લખનૌ, તા.ર૮
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ રાજકીય પંડિતો એવી અટકળો લગાવી રહ્યા છે કે, આ હાર બાદ સપા-બસપાનું ગઠબંધન તૂટી શકે છે. પરંતુ અખિલેશ અને માયાવતી વિધાનસભા ચૂંટણી ર૦રર સુધી ગઠબંધન જારી રાખવા માટે સહમત હોય તેવું લાગી રહ્યું છે. યુપીના ૧૧ વર્તમાન ધારાસભ્યો લોકસભા ચૂંટણી જીતી ગયા છે. આ વિધાનસભા બેઠકો ખાલી થવાને કારણે યુપીમાં પેટાચૂંટણી યોજાશે. આ દરમિયાન ફરી એકવાર સપા-બસપાના ગઠબંધનનું પણ પરીક્ષણ થઈ જશે. બસપાના સૂત્રોએ જણાવ્યા અનુસાર દિલ્હી જતાં પહેલા માયાવતીએ કહ્યું હતું કે, સપા અને અજીતસિંહના રાલોદ સાથે ગઠબંધન યથાવત્ રહેશે. બસપાના એક નેતાએ કહ્યું કે, હવે સૌની નજર ૧૧ વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી પર ટકેલી છે. તેના પરિણામો યુપીમાં ગઠબંધનનું ભવિષ્ય નક્કી કરશે.
જો કે લોકસભા ચૂંટણીમાં ગઠબંધનને આશા મુજબ બેઠકો પર વિજય મળ્યો નહીં. તેમ છતાંય તેનાથી બસપાને વધુ લાભ થયો છે. આ વખતે બસપાના સાંસદોની સંખ્યા શૂન્યથી વધીને ૧૦ થઈ ગઈ છે. પરંતુ, સપાને તેનો કંઈ ખાસ લાભ થયો નથી. આટલું જ નહીં, સપા પ્રમુખ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ (કન્નૌજ બેઠક), તેમના ભાઈ ધર્મેન્દ્ર યાદવ અને અક્ષય યાદવ પણ પોતાની બેઠકો બચાવી શક્યા નથી.
યુપીમાં લોકસભા ચૂંટણી જીતનારા નેતાઓમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કેટલાક મંત્રીઓ પણ સામેલ છે. અલ્હાબાદથી રીતા બહુગુણા જોષી લોકસભા ચૂંટણી જીત્યા હોવાને કારણે લખનૌ કેન્દ્ર વિધાનસભા બેઠક ખાલી થઈ ગઈ છે. કાનપુરથી સત્યદેવ પચૌરીએ પણ વિજય મેળવ્યો છે. એવામાં ગોવિંદ નગર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. બીજી તરફ એસ.પી.સિંહ બઘેલ આગ્રાથી લોકસભા ચૂંટણી જીત્યા છે. તેઓ સંસદમાં ગયા હોવાને કારણે ટુંડલા વિધાનસભા બેઠક પર પણ પેટાચૂંટણી યોજાશે.