(એજન્સી) તા.ર૮
આ વખત પ૪ર લોકસભા બેઠકોમાંથી કુલ ર૭ મુસ્લિમ સાંસદ ચૂંટાઈને આવ્યા છે, જયારે ૧૬મી લોકસભામાં માત્ર રર હતા. હાલમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપે ૩૦૩ બેઠકો જીતી છે અને પોતાના સહયોગીની સાથે પાર્ટીએ ૩પ૩ બેઠકો જીતી છે. સમાચાર મુજબ એનડીએમાં લોક જનશકિત પાર્ટીના મહેબુબઅલી કેસર એક માત્ર મુસ્લિમ ઉમેદવાર છે જે બિહારની ખગડિયા લોકસભા બેઠકથી જીત્યા છે. બાકી ર૩ મુસ્લિમ સભ્ય વિપક્ષી દળોમાંથી છે. ઉત્તરપ્રદેશમાંથી છ મુસ્લિમ સાંસદોએ ચૂંટણી જીતી જેમાં ૩ સપા અને ૬ બીએસપીના છે. આઝમખાન (રામપુર), અફઝલ અન્સારી (ગાજીપુર), ડો. એસ.ટી. હસન (મુરાદાબાદ), હાજી ફઝલુરહેમાન (સહારનપુર), શફીકુર રહેમાન બર્ક (સંભલ) અને દાનિશ અલી (અમરોહા) લોકસભા પહોંચી રહ્યા છે. ભારતીય સંસદમાં સૌથી વધુ મુસ્લિમ સાંસદ ૧૯૮૦માં ચૂંટાયા હતા. ૧૯૮૦માં ૪૯ મુસ્લિમો ચૂંટાઈને સાંસદ પહોંચ્યા હતા. ૧૯પરમાં જયારે પ્રથમ વખત ચૂંટણી થઈ તો રપ મુસ્લિમ સંસદનો ભાગ બન્યા હતા. યુપી પછી પશ્ચિમ બંગાળથી પ સાંસદ ચૂંટાયા છે. જેમાં ચાર ટીએમસીમાંથી છે. તે ઉપરાંત જમ્મુ-કાશ્મીર અને કેરળથી ત્રણ ત્રણ સાંસદ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. બિહાર અને આસામથી બે-બે મુસ્લિમ સાંસદોને સફળતા મળી છે. તે ઉપરાંત એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસી હૈદરાબાદથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે.