(એજન્સી)
નવી દિલ્હી, તા.૩
વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખતા અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટીની સરકારે સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં મહિલાઓ માટે મેટ્રો અને બસ યાત્રા વિનામૂલ્યે કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જો આ વર્ષથી આ પ્રસ્તાવ લાગુ કરવામાં આવે તો સરકારે ૭૦૦-૮૦૦ કરોડનો ખર્ચ ભોગવવો પડશે. પક્ષ પ્રમુખે મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે આ યોજના કોઈના પર લાદવામાં નહીં આવે અને મહિલાઓ ઈચ્છે તો ટિકિટ ખરીદી શકે છે.
સરકારે નક્કી કર્યું છે કે મહિલાઓ ડીટીસી, કલસ્ટર બસો અને મેટ્રોમાં વિનામૂલ્યે યાત્રા કરી શકશે. જે મહિલાઓ ખર્ચ કરી શકે છે તે ટિકિટ ખરીદવા સ્વતંત્ર છે. મુખ્યમંત્રીએ કહ્યું કે અમે એ લોકોને પ્રોત્સાહિત કરીશું જે ટિકિટ ખરીદી શકે છે. આગામી બે-ત્રણ મહિનામાં તેને લાગુ કરવાનો પ્રયાસ કરાશે.
દિલ્હી મેટ્રોના ભાડામાં વધારાને રોકવામાં નિષ્ફળ રહેલા અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, કેન્દ્રએ ભાડામાં વધારા અંગે અમારી અરજીનો પર ધ્યાન નથી આવ્યું. આ મુદ્દે અમે તેનો બોજ ઉઠાવીશું.
નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ આ પગલાનું સ્વાગત કરતા કહ્યું કે અમે આ પગલાને મહિલા સુરક્ષા મુદ્દે રોકાણ માનીએ છીએ.