(સંવાદદાતા દ્વારા) બોડેલી,તા.૮
ભાજપ સરકારના શાસનમાં શસ્ત્રોના પ્રદર્શન સાથે હવે શસ્ત્રોનું જાહેર વિતરણ પણ બેરોકટોક થાય છે. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી ગામના કાર્યક્રમમાં છોટાઉદેપુરના પ્રથમ મહિલા સાંસદસભ્ય ગીતા રાઠવા અને ભાજપના અગ્રણી નેતાઓની હાજરીમાં ખુલ્લેઆમ તલવાર વિતરણ કરવા ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે. આ અંગેની તસવીરો વાયરલ થતા લોકો અચંબામાં મૂકાયા છે અને જ્યાં રોજગાર, શિક્ષણ અને હોસ્પિટલોની જરૂર છે. તે જિલ્લામાં ખુલ્લેઆમ શસ્ત્રોનું વિતરણ થતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે. છોટાઉદેપુર જિલ્લા આદિવાસી જિલ્લા તરીકે ઓળખ ધરાવે છે અને છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણ, રોજગાર અને દવાખાના કથળેલી હાલતમાં છે. છોટાઉદેપુર જિલ્લામાં ઔદ્યોગિક વસાહત ન હોવા લઈને જિલ્લાના યુવાનો નોકરી અને કામકાજ માટે પોતાના પરિવારજનોને છોડી જિલ્લાની બહાર જવું પડે છે.
ત્યારે બીજી તરફ છોટાઉદેપુર જિલ્લાના એક આદિવાસી ગામના કાર્યક્રમમાં નવા ચૂંટાઈને આવેલ છોટાઉદેપુર સાંસદસભ્ય ગીતા રાઠવા, ભાજપા જિલ્લા પ્રમુખ જસુ રાઠવા, ભાજપા મહામંત્રીની હાજરીમાં તેઓના હસ્તે જ આદિવાસીઓને તલવાર અને પિત્તળના કળશ અને થાળી વિતરણ કરવામાં આવ્યા હતા અને આ અંગેની તસવીરો સોશિયલ મીડિયા ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં ર૦૦થી વધુ તલવારોનો જથ્થો અને પિત્તળની કળશ અને થાળીઓ જોવા મળી રહી છે.
આદિવાસી સમાજમાં તીર કામઠા, પાળિયું અને કડિયાર ડંડો, શસ્ત્ર તરીકે પૂજવામાં આવે છે. મરણ કે લગ્નમાં જતા આદિવાસીઓ સુરક્ષા માટે પોતાની પાસે પાળિયુ રાખે તો પછી આદિવાસીઓને તલવાર વિતરણનું શું કારણ ? તેઓ સવાલ લોકોમાં ઉઠ્યો છે.