જામનગર,તા.૧૦
જામનગરના લાખોટા તળાવની પાળ પર ગઈકાલે રાત્રે ફૂગ્ગા વેચવા બેસેલા ભાવનગરના વતની દેવીપૂજક પરિવારની એક વર્ષની માસુમ બાળકી પર કાળ બની મોટર ફરી વળતા આ બાળકીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું છે. પોલીસે હીટ-એન્ડ-રનના આ બનાવની ફરિયાદ નોંધી મોટરના ચાલકની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
જામનગરના સાત રસ્તા નજીકના પ્રદર્શન મેદાન પાસે જંગલેશ્વર મહાદેવ મંદિર નજીકની ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતા મૂળ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના શોક ગામના રહેવાસી નીતા મનસુખભાઈ પરમાર તથા તેમના પતિ મનસુખ સવાભાઈ દેવીપૂજક જામનગરના લાખોટા તળાવના પાછળના ભાગમાં ફૂગ્ગા વેચવાનો વ્યવસાય કરે છે. આ દંપતી ગઈકાલે રવિવાર હોય પેટીયુ રળવા માટે પોતાની એક વર્ષની પુત્રી અસ્મીતા સાથે તળાવની પાળના પાછળના ભાગમાં આરટીઓ કચેરી તરફ જવાના રોડ પર આવ્યું હતું. તે દરમ્યાન રાત્રે અગિયારેક વાગ્યે નીતાબેન તથા મનસુખભાઈ પોતાના વ્યવસાયમાં મશગુલ હતા ત્યારે તેમની પુત્રી અસ્મીતા નજીકમાં બેઠી હતી. આ વેળાએ જીજે-૧૦-ડીએ-૯૯૮ નંબરની હ્યુન્ડાઈ કંપનીની સેન્ટ્રો મોટર કાળ બની ધસી આવી હતી. આ મોટરના ચાલકે કોઈ કારણથી મોટર પરનો કાબુ ગુમાવતા મોટર બાળકી પર ચઢી ગઈ હતી. મોટરના વ્હીલ અને ડિવાઈડર વચ્ચે ચગડાઈ ગયેલી અસ્મીતાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ વેળાએ હાજર લોકોમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. આ બાબતની કોઈએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડ્યો હતો. પોલીસે મહામહેનતે મોટરચાલકને ટોળા વચ્ચેથી કાઢ્યો હતો તેમજ મૃત બાળકીના દેહને પીએમ માટે મેડિકલ કોલેજમાં ખસેડ્યો હતો. બનાવના પગલે તળાવની પાળે ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. મોડીરાત્રે નીતાબેન મનસુખભાઈએ ઉપરોક્ત બનાવની સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈપીસી ૩૦૪ (અ), ૨૭૯, ૩૩૭, ૩૩૮, એમવીએક્ટની કલમ ૧૭૭, ૧૮૪ હેઠળ ગુનો નોધ્યો છે. દિગ્વિજય પ્લોટ પોલીસચોકીના પીએસઆઈ વાય.એસ. ગામીતે વધુ તપાસ હાથ ધરી છે.