મોરબી, તા.૧૦
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા નિત્યાનંદ સોસાયટીમાં રહેતા સીરામીક ટાઈલ્સના વેપારી પટેલ પરિવારના ત્રણ વર્ષના પુત્રનું શંકસ્પદ હાલતમાં મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવની જાણ મોરબી પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નિત્યાનંદ સોસાયટીના એપાર્ટમેન્ટમાં રહેતા સીરામીકના ટ્રેડિંગનો વ્યવસાય કરતા રાજેશભાઈ ડઢાંણીયાનાં ત્રણ વર્ષના દીકરા નિત્યની શંકાસ્પદ હાલતમાં તેના જ ઘરમાંથી ડેડબોડી મળી આવતા ભારે ચકચાર મચી ગઇ છે. બાળકના ગળાના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા છે જેથી હત્યા કરાયાની આશંકાએ તપાસના તાણાવાણા વચ્ચે માસૂમ બાળકનું શંકાસ્પદ મોતથી મોરબીમાં ફરી ચકચાર મચી જવા પામી છે. હાલ માસૂમ બાળકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જઈને પી.એમ. કરવા તજવીજ હાથ ધરી છે સમગ્ર ઘટનાની જાણ થતા મોરબી બી.ડિવિઝન પોલીસ એલ.સી.બી. સહીતનાઓએ સિવિલ હોસ્પિટલ પહોંચીને વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શંકાસ્પદ મોતનું રહસ્ય પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે.