(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૦
રાજ્યના પોલીસ મહાનિર્દેશક-શિવાનંદ ઝા ગતરોજ સુરત ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં આજે સવારે દરેક પોલીસ મથના ક્રાઈમ તથા ડીટેક્શન સંદર્ભે તેમણે ઈન્સ્પેકશન કરી પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હોવાનું જાણવા મળ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) શિવાનંદ ઝા રવિવારના રોજ સુરત પોલીસ ભવન ખાતે આવ્યા હતા. જ્યાં આજે સવારે શહેર પોલીસના વિવિધ પોલીસ મથકો તેમજ વિવિધ વિભાગોનું ઈન્સ્પેકશન કર્યું હતું અને ત્યારબાદ રેન્જ આઈજીની ઓફિસ ખાતે પહોંચી જિલ્લાના પોલીસ મથકોમાં નોંધાયેલા ગંભીર ગુનાઓ તેમજ ગુનાઓના ડીટેક્શન સંદર્ભેમાં ઈન્સ્પેકશન કરી પોલીસ અધિકારીઓને સૂચનાઓ પણ આપી હતી.
પત્રકારો દ્વારા સરથાણા સ્થિત તક્ષશિલા આર્કેડમાં બનેલી દુર્ઘટનામાં ૨૨ વિદ્યાથીઓના કરૂણ મોત નીપજ્યા હતા અને સરથાણા પોલીસ મથકમાં સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુના સંદર્ભનો પ્રોગ્રેસ શું છે ? તેવો પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, તક્ષશિલા આર્કેડની આગની દૂર્ઘટના ખૂબ દુઃખદ છે, શહેર પોલીસ કમિશનરની સૂચના અને નિરિક્ષણ હેઠળ તપાસ ચાલી રહી છે. આ નિષ્પક્ષ તપાસમાં કોઈ ચમરબંધીને પણ છોડવામાં આવશે નહીં. ખટોદરા પોલીસ કસ્ટોડીયલ ડેથના પ્રકરણમાં તેમણે જણાવ્યું હતું કે, આ શહેર પોલીસ અને શહેર માટે ખૂબ જ મોટી કમનસીબ ઘટના છે અને આરોપીઓને સત્વરે ઝડપી પાડવામાં આવશે.
નાના બાળકો પર થઈ રહેલા અત્યાચારો સંદર્ભમાં પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના ઉત્તરમાં ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, શહેરના વિવિધ વિસ્તારોમાં બનતી આવી ગંભીર ઘટનાઓમાં આરોપીઓને આઈડેન્ટીફાય કરી ઘટનાઓ ડામવાના પ્રયાસ કરીશું. રાજ્યમાં તથા રાજ્યની બહારના મોટા બૂટલેગરો સામે મની લોન્ડિરંગનો કેસ કરી તેઓની મિલકતો જપ્ત પણ કરવામાં આવશે. મોટા બુટલેગરોની યાદી પણ તૈયાર કરવામાં આવી હોવાનું ડીજીપી ઝાએ પત્રકારોને જણાવ્યું હતું તે પોલીસ ભવન ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.