અમદાવાદ, તા.૧૦
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા સુરતની બે દિવસની મુલાકાતે આવ્યા હતાં. તેમણે સુરત અને દક્ષિણ ગુજરાતના પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. સુરત શહેર અને સુરત રેન્જના અધિકારીઓની કામગીરી તપાસી નોટ રીડિંગ કરવા ઉપરાંત ક્રાઈમની ઘટનાઓ બાબતે મુદ્દાસર ચર્ચા પણ કરી હતી.
ડીજીપી શિવાનંદ ઝાએ બેઠક બાદ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, તક્ષશિલા અગ્નિકાંડમાં સુરત પોલીસ કમિશનર ખૂબ ગંભીરતાથી તપાસ કરાવી રહ્યા છે. સાથે જ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. પુરાવાના આધારે પણ તપાસ કરી સંડોવાયેલાઓ સામે પગલા લેવામાં આવશે. તો બીજી તરફ સુરત અને ગુજરાત પોલીસ માટે કાળી ટીલ્લી સમાન બનેલી ખટોદરા કસ્ટોડિયલ ડેથ મામલે પણ તેમણે કહ્યું હતું કે, આ ખૂબ કમનસીબ ઘટના છે. સરકારે પણ આ અંગે પોતાનો મત વ્યક્ત કર્યો છે. સરકાર તરફથી પણ ઓર્ડર છે કે જેટલા પણ આરોપી છે તેમને છોડવામાં નહીં આવે. જવાબદાર આરોપી પોલીસકર્મીઓને શોધવા માટેના તમામ પ્રયાસો ચાલી રહ્યા છે, જલ્દીથી તમામને પકડી પાડવામાં આવશે.
શિવાનંદ ઝાએ કહ્યું કે, દારૂ બંધીને લઈને ડ્રાઈવ ચાલી રહી છે. બાતમી આધારે કેસ થયા છે, અને જે કિસ્સામાં મોટા બૂટલેગરોના નામો પણ આવ્યા છે. તે તમામ મોટા બૂટલેગરો સામે પ્રિવેન્સન ઓફ મની લોન્ડરિંગ એક્ટ મુજબ કેસ કરી તેમની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.