(સંવાદદાતા દ્વારા) હિંમતનગર, તા.૨૭
હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ, સુંદર અને પ્રદૂષણ મુક્ત બનાવવા ઝુંબેશ ચલાવીને ખુલ્લી જગ્યાઓમાં વૃક્ષો વાવીને તેનો ઉછેર કરવા માટે અપીલ કરાઈ છે, ત્યારે ખુદ નગરપાલિકાના દબાણ વિભાગે ગુરૂવારે હિંમતનગરના ગીરધરનગર વિસ્તારમાં આવેલ મોતિપુરા ઓવરબ્રિજ નીચેના એક પેટ્રોલપંપ આગળથી પાંચથી વધુ વૃક્ષોનું નિકંદન કાઢી નાખતા શહેરના પર્યાવરણ પ્રેમીઓમાં નિરાશા પ્રસરી છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોતિપુરા ઓવરબ્રિજ નીચે આવેલ પેટ્રોલપંપ આગળની અંદાજે ૩૦૦ ફૂટથી વધારે ખુલ્લી જમીનમાં પેટ્રોલપંપના સંચાલકે બગીચો બનાવી તેમાં પાંચથી વધુ વૃક્ષો ઉછેર્યા હતા. જેના લીધે પ્રદૂષણની માત્રામાં પણ આંશિક ઘટાડો થયો છે તથા અહીં આડેધડ પાર્કિંગ કરતા ખાનગી વાહનચાલકોનો ત્રાસ છેલ્લા કેટલાક સમયથી બંધ થઈ ગયો હતો, તો બીજી તરફ નગરપાલિકાને ગુરૂવારે પાર્કિંગ ઝોન બનાવવાનું શુરાતન ચડ્યું હતું. નગરપાલિકાના દબાણ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ જેસીબી લઈને ઓવરબ્રિજ નીચે પહોંચી ગયા હતા અને જોતજોતમાં નાના બગીચાનું અસ્તિત્વ મીટાવી દીધું હતું. નગરપાલિકા આ કામગીરી તથા વિચારસરણીથી આ વિસ્તારના લોકોમાં કચવાટ શરૂ થયો છે. એકબાજુ હિંમતનગરને હરિયાળુ બનાવવા માટે બણગા ફૂંકતી નગરપાલિકાના પદાધિકારીઓના મનમાં હવે વાહન પાર્કિંગ માટે ઝોન બનાવવાનું સુઝયું છે. હવે જોઈએ કે, નગરપાલિકાએ કરેલી આ શરૂઆત ક્યાં સુધી પહોંચે છે ? તે સમય બતાવશે. નગરપાલિકા દ્વારા હિંમતનગરના મુખ્ય બસ સ્ટેન્ડથી આરોગ્યનગર આગળથી સિવિલ સર્કલ તરફના ફૂટપાથ પરથી રસ્તા પૈકીના ૧પથી વધુ દબાણો દૂર કરતા ફૂટપાથ ચોખ્ખા કરી દીધા છે. નગરપાલિકાની આ કામગીરીથી અહીંથી પસાર થતાં રાહદારીઓ અને વેપારી વર્ગ ખૂબ જ ખુશ થયો છે. ગુરૂવારે દબાણો દૂર કરાતા દબાણકર્તાઓ પોતાનો માલ સામાન લઈને જતા રહ્યા છે. નાના વેપારીઓની એવી લાગણી અને માગણી છે કે, અમને ધંધો-રોજગાર કરવા માટે પાલિકાએ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં થયેલા દબાણો દૂર કરવાનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે, ત્યારે પાલિકાના સત્તાવાળાઓએ કોઈના પણ દબાણને વશ થયા વિના દબાણ હટાવની કામગીરી ચાલુ રાખવી જોઈએ. સાથોસાથ દબાણ હટાવ્યા બાદ તે ફરીથી દબાણના સ્થળે ગોઠવાઈ ન જાય તે માટે પણ પાલિકા અને પોલીસ તંત્રએ તકેદારી રાખવાની જરૂર હોવાનું નગરજનો માની રહ્યા છે.
લુખ્ખા તત્ત્વોનો ત્રાસ અસહ્ય
હિંમતનગર બસ સ્ટેન્ડની આજુબાજુ રાત-દિવસ લોકોની અવર-જવર વધુ રહેતી હોવાને કારણે આ વિસ્તાર ધમધમતો રહે છે, ત્યારે કેટલાક અસામાજિક તત્ત્વો દારૂ પીને અણછાજતું વર્તન કરી લોકોને શરમિંદા બનાવી દે છે, ત્યારે આ વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓએ આવા તત્ત્વોને સબક શિખવાડવાની જરૂર છે, તથા પાલિકાએ ચાંપતી નજર રાખીને ફરીથી દબાણ ન થઈ જાય તેની તકેદારી રાખવી રહી નહીં તો કામગીરી થશે અને પાછળ તેના પર દબાણકર્તાઓ પાણી ફેરવી દેશે.