(એજન્સી) કોલકાતા, તા. ૨૭
કમ્યુનિસ્ટ પાર્ટીના પૂર્વ નેતા સુધાર રેડ્ડીએ ગુરૂવારે ભાજપ સામે લડવા માટે ટીએમસીના નેતા મમતા બેનરજી દ્વારા ડાબેરીઓ અને કોંગ્રેસને તૃણમુલ કોંગ્રેસ સાથે હાથ મિલાવવાની અપીલને અર્થ વગરની ગણાવી હતી. સીપીઆઇના રાષ્ટ્રીય મહાસચિવે જણાવ્યું હતું કે, તૃણમુલ કોંગ્રેસ હજુ પણ ડાબેરીઓ પાર્ટીઓને રાજકીય વિરોધી નહીં પણ દુશ્મન ગણે છે. ડાબેરીઓની સેંકડો ઓફિસો હજુ પણ તૃણમુલના કબજામાં છે. ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. હજારો લોકોને તેમના ગામોમાંથી કાઢી મુકાયા છે અને હજુ પણ આ પ્રકારના હુમલા થઇ રહ્યા છે. આ બધાની પાછળ મુખ્યમંત્રીની અપીલ અર્થ વગરની છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પાર્ટી ડાબેરીઓ પર હુમલા કરાવે છે અને તેને નષ્ટ કરે છે. ડાબેરીઓ વિરૂદ્ધ હિંસાનો મોટાપાયે બળજબરીથી ઉપયોગ કરવા પાછળ મમતા બેનરજી છે અને એકદમ બિનલોકતાંત્રિક રીતે પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓને નબળા પાડ્યા છે ત્યારે આ અપીલનો શું અર્થ છે ? ડાબેરીઓ ભાજપને દુશ્મન તરીકે ગણે છે પણ તે જ રીતે તૃણમુલ કોંગ્રેસને પણ પોતાનો સરખો વિરોધી ગણે છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ભાષણ દરમિયાન મમતાએ જણાવ્યું હતું કે, ઝારખંડમાં જે બન્યું તેને હું સખત રીતે વખોડું છું. લોકો ભય હેઠળ જીવી રહ્યા છે. તેઓ લોકોની હત્યા કરી રહ્યા છે. મમતા બેનરજીએ કોમવાદી ભાગલાને પ્રોત્સાહન આપવાનો ભાજપ પર આરોપ લગાવ્યો હતો ઉપરાંત તેમણે સત્તાધારી પાર્ટી પર બંધારણ બદલવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, મને ડર લાગે છે જ્યારે ભાજપ બંધારણ બદલી નાખશે. કોઇ ચોક્કસ ધર્મમાં જન્મ લેશે તો શું તેનો વાંક ગણાશે ? મમતા બેનરજી જ્યારે કટકી નાણાનો સામનો કરી રહ્યા છે ત્યારે તેમણે અન્ય કોંગ્રેસ સહિતની પાર્ટીઓને સાથે આવવા આહવાન કર્યું છે. મમતાએ કહ્યું કે, સાથે આવી સંયુક્ત રીતે કામ કરવાનું આપણા માટે મહત્વનું છે.