(એજન્સી) નવી દિલ્હી, તા. ૮
કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. અપક્ષ ધારાસભ્યએ પોતાના પદેથી રાજીનામું આપતા ભાજપને સમર્થન આપવાનું કહેતા વિધાનસભામાં હવે ભાજપને બહુમતી મળી શકે છે. રાજકીય સંકટને ઉકેલવા માટે પોતાના બ્રિટનના પ્રવાસને ટૂંકાવીને રવિવારે સાંજે પરત ફરેલા મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ જણાવ્યું હતું કે, ધારાસભ્યો પરત ફરવા માટે રાજી થઇ શકે તેમને માર્ગ આપવા માટે કોંગ્રેસ અને જેડીએસના તમામ મંત્રીઓએ પોતાના પદેથી રાજીનામા આપી દીધા છે. ભાજપ જોકે આ સંકટમાં પોતાની ભૂમિકા હોવાનો ઇન્કાર કરે છે પણ સૂત્રો અનુસાર તે હુમલો કરવા માટે તૈયાર છે. ભાજપના નેતા યેદીયુરપ્પાએ કહ્યું હતું કે, અમે સંન્યાસી નથી.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. મુંબઇની હોટેલમં ઘેરીને રાખવામાં આવેલા તમામ ૧૫ ધારાસભ્યોને હવે ગોવા શિફ્ટ કરવામાં આવી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ પગલું ત્યારે ભરવામાં આવ્યું જ્યારે યુથ કોંગ્રેસે મુંબઇની હોટેલ બહાર પ્રદર્શન કર્યું હતું અને કોંગ્રેસના સંકટમોચક ડીકે શિવકુમાર મુંબઇ માટે નીકળી ગયા હતા.
૨. ગયા વર્ષે પૂરતી સંખ્યામાં ધારાસભ્યો ભેગા નહીં કરી શકનારા ભાજપે હવે અપક્ષ ધારાસભ્ય નાગેશનું સમર્થન મેળવી લીધું છે જેઓ મંત્રી બનાવ્યાના એક મહિના બાદ જ સરકારમાંથી અલગ થઇ ગયા હતા.ભાજપે પોતાની આગળની રણનીતિ માટે સોમવારે સાંજે બેઠક બોલાવી હતી.
૩. બળવાખોરોના આધાર બની ગયેલા નાગેશ પણ મુંબઇ માટે રવાના થઇ ગયા હતા. શનિવારે રાજીનામું આપનારા કોંગ્રેસના આઠ અને જેડીએસના ત્રણ ધારાસભ્યોને તેજ દિવસે મુંબઇની ફાઇવ સ્ટાર હોટેલમાં લઇ જવાયા હતા.
૪. એવા પણ અહેવાલો મળ્યા હતા કે, કર્ણાટકના પૂર્વ મંત્રી રામલિંગા રેડ્ડીના પુત્રી અને કોંગ્રેસના ધારાસભ્યો સૌમ્યા રેડ્ડી સહિત અન્ય બે ધારાસભ્યોએ પોતાના રાજીનામા આપ્યા છે. જેડીએસે પણ પોતાના તમામ ધારાસભ્યોને એક રિસોર્ટમાં શિફ્ટ કર્યા છે. સૂત્રો અનુસાર પાર્ટીએ કોગાડુના પેડિંગ્ટન રિસોર્ટમાં ૩૫ રૂમ બૂક કરાવ્યા છે.
૫. ભાજપ પર ભાગલા પાડવાનો આરોપ મુકતા કોંગ્રેસે દાવો કર્યો હતો કે, નાગેશનું અપહરણ કરાયું છે. કોંગ્રેસના સંકટમોચક ડીકે શિવકુમારે કહ્યું કે, થોડીવાર પહેલા જ મને નાગેશનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, યેદીયુરપ્પા અને ભાજપના ખાસ માણસો દ્વારા તેમનું અપહરણ કરાયું છે. અત્યારે હું એરપોર્ટ પહોંચી ગયો છું અને ફ્લાઇટ ઉડી ગઇ છે.
૬. જો આ રાજીનામા સ્વીકારાય તો કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનના ૨૨૪ ધારાસભ્યોવાળી વિધાનસભામાં ૧૦૮થી ઘટીને ફક્ત ૧૦૪ સભ્યો રહી જશે અને સત્તાધારી ગઠબંધન લઘુમતીમાં આવી જશે જેમાં બહુમતી પુરવાર કરવા માટેનો આંકડો ૧૦૬ પર પહોંચ્યો છે જ્યારે ભાજપ નાગેશના સમર્થનનથી બહુમતી પુરવાર કરી શકે છે.
૭. શનિવારે જ્યારે સ્પીકર રમેશ કુમાર પોતાની કચેરીમાં ન હતા ત્યારે ૧૧ ધારાસભ્યો પોતાના રાજીનામા આપવા ગયા હતા જેઓ હવે આ રાજીનામાને મંગળવારે તપાસશે. બંને ગઠબંધન પાર્ટીને વિશ્વાસ છે કે, બળવાખોરોમાંથી કેટલાક પોતાનો વિચાર માંડી વાળે તેવી આશા છે. કુમારસ્વામીએ કહ્યું હતું કે, ભાજપના હાઇકમાન્ડ દ્વારા થતું કામ ગેરબંધારણીય છે. સરકાર બચી જશે.
૮. બીજી તરફ સિદ્ધરમૈયાએ કહ્યું હતું કે, ગઠબંધન સરકારને કોઇ જોખમ નથી. તે સુરક્ષિત છે. અમારા ધારાસભ્યોને ડરાવવા માટે કેન્દ્ર સરકાર અને તેની એજન્સીઓનો દુરૂપયોગ થઇ રહ્યો છે. આમાં કર્ણાટક ભાજપના નેતાઓ જ નહીં પણ સરમુખત્યારો અમિત શાહ અને નરેન્દ્ર મોદી પણ છે. તેઓ આ દેશમાં સરમુખત્યાર સિવાય કશું જ નથી.
૯. ભાજપે કહ્યું હતું કે નવી સરકાર માટે તેમને આમંત્રણ મળી શકે છે પણ સંકટ લાવવાના ગઠબંધનના આરોપોનો ઇન્કાર કર્યો હતો. કર્ણાટક ભાજપના નેતા યેદીયુરપ્પાએ કહ્યું હતું કે થોભો અને રાહ જુઓ. શું અમે સંન્યાસી છીએ ? રાજીનામાની પ્રક્રિયા પુરી થવા અને સ્પીકર પોતાનો નિર્ણય આપે તે બાદ અમારી પાર્ટીના નેતાઓ ચર્ચા કરશે અને નિર્ણય લેશે.
૧૦. આ મુદ્દો સંસદમાં પણ ગાજ્યો હતો જ્યાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે રાજ્ય સરકારે અસ્થિર કરવાના કોંગ્રેસના આરોપોને નકાર્યા હતા. તેમણે કહ્યું કે, કોઇપણ અન્ય પાર્ટીના મંત્રીઓ કે ધારાસભ્યો પર અમારી પાર્ટીએ દબાણ કર્યું નથી. રાજીનામું આપવાની શરૂઆત રાહુલ ગાંધીએ કરી હતી.
નાઇટ વિલાસ, લક્ઝરી હોટેલ્સનું ભાડું રૂા. ૨૫,૦૦૦
કર્ણાટકના ધારાસભ્યોને કેવી રીતે ‘સુરક્ષિત’ રખાયા છે
કર્ણાટકમાં રાજકીય ઉથલ-પાથલ જારી રહેતા પોતાના ધારાસભ્યોને શિકારથી બચાવવા માટે પાર્ટીઓએ પ્રાઇવેટ પ્લેન, લક્ઝરી હોટેલ્સ અને રિસોર્ટનો સહારો લીધો હતો. દિવસભરની દોડધામમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારના તમામ મંત્રીઓએ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને પોતાના રાજીનામા આપી દીધા હતા જેમાં શનિવારે રાજીનામું આપનારા કોંગ્રેસના ૯ અને જેડીએસના ૩ મળીને કુલ ૧૨ ધારાસભ્યોને પરત ખેંચીને નવું મંત્રીમંડળ રચવા માટેનું પગલું ભર્યું છે. બીજી તરફ રાજીનામું આપનારા ૧૨ ધારાસભ્યો ચાર્ટર્ડ પ્લેન દ્વારા મુંબઇની એક લક્ઝરી હોટેલમાં જતા રહ્યા છે જ્યારે જેડીએસે પોતાના ધારાસભ્યોને કર્ણાટકના કોગાડુની હોટેલમાં રાખ્યા છે. બળવાખોર ધારાસભ્યો હાલ મુંબઇની બાંદ્રા-કુર્લામાં આવેલી સોફીટેલ હોટેલમાં રોકાયા છે રૂમના રાતના ભાજડાં રૂા. ૧૦,૦૦૦ છે. ૧૦ ધારાસભ્યો સોફીટેલ હોટેલમાં છે જ્યારે ત્રણ શિરડીમાં છે. સૂત્રો અનુસાર કોઇપણ જોખમને ટાળવા માટે જેડીએસે પોતાના ધારાસભ્યોને કોગાડુના પેડિંગ્ટન રિસોર્ટમાં શિફ્ટ કર્યા છે જ્યાં તેમના માટે શ્રેષ્ઠ સુવિધાના રૂમ બૂક કરાયા છે. પાર્ટીએ ૧૦ પ્રાઇવેટ પૂલ વિલા, ૭ બંગલો અનએ ડીલક્ષ રૂમ બૂક કરાયા છે જ્યાં પ્રાથમિક ભાડું રૂા. ૯,૦૦૦થી વધુ અને પૂલ વિલાનું ભાડું રૂા. ૨૫,૦૦૦ પ્રતિદિવસ છે. રાજકીય રીતે અસ્થિર રહેતા કર્ણાટકમાં ધારાસભ્યોને રિસોર્ટમં ખસેડવાની આ પ્રથમ ઘટના નથી.
‘‘સરકાર બચી જશે, સંપૂર્ણ વિશ્વાસ છે’’ : એચડી કુમારસ્વામી
અમેરિકાનો પ્રવાસ ટૂંકાવીને રવિવારે સાંજે બેંગ્લુરુ પરત ફરેલા કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ ૧૩ ધારાસભ્યોના રાજીનામાને પગલે રાજ્યમાં ઊભી થયેલી કટોકટી ઉકેલવા અંગે કહ્યું હતું કે, સરકારને કોઇ ખતરો નથી. આ ગેરબંધારણીય છે, આ ભાજપ હાઇકમાન્ડનું કામ છે. સરકાર બચી જશે. ૧૪ ધારાસભ્યો દ્વારા રાજીનામા અને ભાજપને સમર્થન આપવાનું કહ્યા બાદ તેમણે આ આશ્વાસન આપ્યું છે અને વિધાનસભામાં પાર્ટીની તરફેણમાં રહેવાનું જણાવ્યું હતું. છેલ્લા એક અઠવાડિયામાં કોંગ્રેસ અને જેડીએસના કુલ ૧૩ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. જો આ રાજીનામા મંગળવારે સ્વીકારી લેવામાં આવે તો ૨૨૪ સભ્યોવાળી વિધાનસભામાં સત્તાધારી પક્ષના ૧૧૮માંથી ફક્ત ૧૦૪ સભ્યો રહી જશે જે બહુમતીથી બે સભ્યો દૂર રહેશે, ધારાસભ્યોના રાજીનામાથી વિધાનસભામાં જાદુઇ આંકડો ૧૧૩થી ઘટીને ૧૦૬ થઇ જશે. સોમવારે કાઢી મુકાયેલા અપક્ષ ધારાસભ્ય એમ નાગેશના સમર્થનથી ભાજપની સંખ્યા વિધાનસભામાં ૧૦૬ થઇ ગઇ છે. જોકે, કુમારસ્વામીને હજુ ણ આત્મવિશ્વાસ છે. તેમણે કહ્યું છે કે, અત્યારે ચાલી રહેલી રાજકીય ઉઠાપટકથી તેઓ પરેશાન નથી. આ રાજનીતિ અંગે હું કોઇ ચર્ચા કરવા માગતો નથી. રવિવારે તેઓ અમેરિકાથી પરત ફર્યા બાદથી પાર્ટીના નેતાઓ સાથે સતત બેઠકો કરી રહ્યા છે. રવિવારે તેમના પિતા અને પાર્ટીના પ્રમુખ એચડી દેવગૌડાએ પણ પાર્ટીના નેતાઓ સાથે બેઠકોનો દોર ચલાવ્યો હતો.બીજી તરફ કોંગ્રેસ અને જેડીએસ સરકાર બચી જશે તેવો વિશ્વાસ ધરાવે છે. તમામ ૧૪ ધારાસભ્યોએ મંુંબઇ પાસેની એક હોટેલમાં રોકાણ કર્યું હોવાનું મનાય છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે,ભાજપ તેમને પ્રાઇવેટ પ્લેનમાં લઇ ગયો છે અને તેમના નેતાઓ હોટેલમાં તેમની સાથે સતત મુલાકાત કરી રહ્યા છે.
ભાજપ એક ‘શિકારી પાર્ટી’ : કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી
ભાજપને એક ‘‘શિકારી પાર્ટી’’ ગણાવતા કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ સોમવારે જણાવ્યું હતું કે, પાર્ટી કર્ણાટકના સંકટનો મુદ્દો સંસદમાં ઉઠાવવાનો પ્રયાસ કરશે પણ તેમની રણનીતિ જાહેર નહીં કરે. કોંગ્રેસ-જેડીએસના ૧૩ ધારાસભ્યોએ રાજીનામા આપતા રાજ્ય સરકારને સંકટમાં મુકી દીધી છે. કોંગ્રેસના ધારાસભ્ય આનંદસિંહે ૧લી જુલાઇએ રાજીનામું આપ્યું હતું. લોકસભામાં કોંગ્રેસના નેતા અધિરરંજન ચૌધરીએ સંસદ બહાર પત્રકારોને જણાવ્યું હતું કે, અમે કર્ણાટક સંકટના મુદ્દાને સંસદમાં ઉઠાવવાના પ્રયાસ કરીશું પણ અમારા હથિયારો જાહેર કરીશું નહીં. પણ એ વાત નક્કી છે કે, ભાજપ એક શિકારી પાર્ટી છે. બીજી તરફ ભાજપે આ બાબતમાં પોતાની કોઇપણ ભૂમિકા હોવાનો ઇન્કાર કર્યો છે અને કહ્યું છે કે, કર્ણાટકના કોંગ્રેસ નેતાઓ અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયા તથા હાલના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી વચ્ચે થઇ રહેલી સત્તાની ખેંચતાણને પરિણામે રાજ્યમાં રાજકીય સંકટ ઊભું થયું છે.
બળવાખોર ધારાસભ્યોની મુંબઇની હોટેલ બહાર કોંગ્રેસ કાર્યકરોના દેખાવ
કર્ણાટકનું રાજકીય સંકટ સોમવારે ત્રીજા દિવસમાં પ્રવેશતા કોંગ્રેસ અને જેડીએસ દ્વારા મુશ્કેલ જણાતા લક્ષ્યાંક માટે ઠરાવ પસાર કરાયો છે. રવિવારે મોડી રાતે રાજ્યના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ ૧૩ મહિના જુની સરકાર બચાવવા માટેના અંતિમ પ્રયાસમાં ગઠબંધનના નેતાઓ સાથે બેઠક કરી હતી.સૂત્રોઅનુસાર આ બેઠક કોઇપણ પરિણામ પર આવ્યા વિના પુરી થઇ ગઇ હતી. અહેવાલો અનુસાર ગઠબંધનના નેતાઓ રાજ્યના જેડીએસ પ્રમુખ એચ વિશ્વનાથ અને ધારાસભ્ય ગોપાલૈયાહને મંત્રીપદ અને ધારાસભ્ય નારાયણ ગૌડાને બોર્ડ ચેરમેનનું પદ આપવા માટે રાજી થયા હતા પણ તેઓ હજુ પણ બળવાના મૂડમાં છે. મોડીરાતની બેઠકમાં મોટાભાગના ધારાસભ્યોએ વિશ્વનાથના રાજીનામા માટે પ્રવાસન મંત્રી મહેશ પર આરોપ મુક્યો હતો. બીજી તરફ કોંગ્રેસના કાર્યકરોે મુંબઇમાં ે હોટેલમાં બળવાખોર ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે ત્યાં દેખાવ કર્યા હતા. તેમણે ભાજપ પર અન્ય નેતાઓને લાલચ આપવાનો આરોપ મુક્યો હતો. વિરષ્ઠ કોંગ્રેસી નેતાઓ મોહમ્મદ આરિફ, નસીમખાન, એકનાથ ગાયકવાડ, ભાઇ જગતાપની આગેવાનીમાં દેખાવો કર્યા હતા.દેખાવકારોમાં યુવા કોંગ્રેસ અને એનએસયુઆઇના સભ્યો પણ સામેલ હતા.