(એજન્સી) તા.૧પ
સોમવારે આસામમાં પૂરની સ્થિતિ વધુ વિકટ બની હતી. જોરહાટ, બારપેટા અને ઘૂબરી જિલ્લાઓમાં ૪ વધુ મોત નોંધાતાં કુલ મૃત્યુઆંક વધીને ૧૩ થયો હતો. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એએસડીએમએ)એ તેના અહેવાલમાં કહ્યું હતું કે, પૂરના કારણે લગભગ ર૮ જિલ્લાઓમાં ર૬.પ લાખ લોકો અસરગ્રસ્ત બન્યા છે. કાઝીરંગા નેશનલ પાર્ક નજીક આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૩૭ ડૂબી જતાં ઉપરી આસામ અને નીચલા આસામ વગેરે સંપર્ક ખોરવાઈ ગયો છે. વહીવટી તંત્રએ હાઈવે પર હળવા વાહનો માટે પ્રતિબંધ મૂકી દીધો છે. પૂરના કારણે કાઝીરંગા નેશનલ પાર્કનો ૮૦ ટકા વિસ્તાર ડૂબી ગયો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાર્કના પ્રાણીઓને ઉંચાણવાળા સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. પૂરગ્રસ્ત ર૮ જિલ્લાઓમાંથી બારપેટાની સ્થિતિ સૌથી વધુ ગંભીર છે.