નવી દિલ્હી,તા.૧૭
વિશ્વકપ-૨૦૧૯મા ભારત ટાઇટલ ન જીતી શક્યું અને સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય બાદ બહાર થઈ ગયું હતું. ત્યારબાદ માનવામાં આવી રહ્યું હતું કે, ટીમ ઈન્ડિયાના કોચ પદમાં ફેરફાર થઈ શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ટીમ ઈન્ડિયાના હેડ કોચ સહિત પૂરા સપોર્ટ સ્ટાફને બદલવાનો નિર્ણય કર્યો છે. બોર્ડે આ પદો માટે અરજી મગાવી છે. બીસીસીઆઈએ આ માટે કેટલાક માપદંડ નક્કી કર્યાં છે, જે આકરા માનવામાં આવી રહ્યાં છે. તેવામાં કેટલાક નામો પર ચર્ચા થઈ રહી છે કે કોણ ટીમ ઈન્ડિયાનો કોણ ટીમ ઈન્ડિયાનો આગામી મુખ્ય કોચ બની શકે છે.
બીસીસીઆઈએ હેડ કોચ માટે જે માપદંડ નક્કી કર્યાં છે તે ખુબ આકરા છે. આ માપદંડનો અર્થ છે કે ટ્રેવર બૈલિસ અને મિકી આર્થર જેવા મોટા કોચ તેની રેસમાં પણ સામેલ નહીં થઈ શકે. યોગ્યતા માપદંડો પ્રમાણે મુખ્ય કોચની ઉંમર ૬૦થી ઓછી હોવી જોઈએ, સાથે ટેસ્ટ રમનાર દેશોને ઓછામાં ઓછો બે વર્ષનો કોચિંગ આપવાનો અનુભવ હોય, આ સિવાય એસોસિએટ સભ્યો/એ ટીમ/આઈપીએલ ટીમને ત્રણ વર્ષનો કોચિંગ આપવાનો અનુભવ હોવો જોઈએ. અરજીકર્તાએ ૩૦ ટેસ્ટ કે ૫૦ વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમી હોય. બેટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ કોચ માટે પણ પાત્રતા નિયમ સમાન છે. માત્ર અરજીકર્તા દ્વારા રમેલી મેચોની સંખ્યામાં અંતર છે. આ ત્રણ પદના અરજીકર્તાઓએ ૧૦ ટેસ્ટ કે ૨૫ વનડે મેચ રમી હોવી જોઈએ.