Site icon Gujarat Today

ગાવસ્કરના ટોણા પર બોલ્યા માંજરેકર ટીમ વિશ્વકપમાં ખરાબ નથી રમી

નવી દિલ્હી, તા.૩૦
સુનીલ ગાવસ્કરે વિશ્વકપ બાદ પણ ત્રણેય ફોર્મેટમાં કોહલીને કેપ્ટન બનાવવા અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેમનું કહેવું હતું કે ત્રણેય ફોર્મેટ માટે અલગ-અલગ કેપ્ટન હોવા જોઇએ. તેના જવાબમાં પૂર્વ ક્રિકેટર અને કમેન્ટેટર સંજય માંજરેકરે કોહલીના બચાવમાં આ નિવેદનથી અસહમતી દર્શાવી છે.
માંજરેકરે ટિ્‌વટ કર્યું, ‘હું ખૂબ સન્માન સાથે સિલેક્ટર્સ અને વિરાટ કોહલીને કેપ્ટન બનાવી રાખવાની ગાવસ્કર સરની સલાહ પર અસહમતિ દર્શાવું છું. ભારતીય ટીમે વિશ્વકપમાં ખરાબ પ્રદર્શન નથી કર્યું. ટીમે સાત મેચ જીતી અને બે હારી. છેલ્લી મેચમાં ખૂબ નજીકથી હાર મળી. સિલેક્ટર્સના રૂપમાં પદથી વધારે જરૂરી ગુણ ઇમાનદારી છે.’
ગાવસ્કરે એક લેખમાં લખ્યું હતું, ‘અમારી જાણકારી પ્રમાણે તેમની (કોહલી) નિયુક્તિ વિશ્વકપ સુધી હતી. ત્યારબાદ સિલેક્ટર્સે આ મામલા પર મીટિંગ બોલાવવી જોઇતી હતી. એ અલગ વાત છે કે તે મીટિંગ પાંચ મિનિટ જ ચાલત પણ તેવુ થવું જોઇતું હતું.’ એમએસકે પ્રસાદની અધ્યક્ષતા વાળી અખિલ ભારતીય સિલેક્શન સમિતિએ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે કોહલીને ત્રણેય ફોર્મેટનો કેપ્ટન બનાવ્યો છે. આ સીરિઝની શરૂઆત ફ્લોરિડામાં થનારા ટી-૨૦ મુકાબલાથી થશે.

Exit mobile version