Site icon Gujarat Today

જૂનાગઢ જિલ્લામાં મેઘમહેર વિસાવદરમાં અઢી ઈંચ વરસાદ

(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૩૦
જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ અમીવર્ષા વરસવાનું શરૂ કરી દેતાં ખેડૂતો અને લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે. મધ્યમ અને હળવા ઝાપટાં સાથે વરસતા વરસાદથી ડુકી ગયેલા કૂવા અને બોરમાં નવા નીરની આવક શરૂ થશે. મેઘરાજાએ સોમવારે વિસાવદર ઉપર હેત છલકાવી અઢી ઈંચ જેટલું પાણી વરસાવીધરાને તરબોળ કરી દીધી હતી. જ્યારે ભેંસાણ, માંગરોળ અને માળિયામાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. ફર્લ્ડ કંટ્રોલમાંથી તા.૩૦ના સવારના ૧૦ વાગ્યા સુધીના આંકડા મુજ્બ કેશોદમાં ૧૪ મીમી, જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં ૮ મીમી, ભેંસાણમાં ર૬ મીમી, મેંદરડામાં ૧૭ મીમી, માંગરોળમાં ર૧ મીમી, માણાવદરમાં ૧૩ મીમી, માળિયામાં ર૦ મીમી, વંથલીમાં ૮ મીમી, જ્યારે વિસાવદરમાં ૬પ મીમી વરસાદ નોંધાયો હતો. આજ સવારથી હજુ પણ વરસાદી વાદળાથી આકાશ ઘેરાયલું છે. તેમજ ઝાપટાં વરસી રહ્યા છે. સોરઠમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો હોય ખેડૂતો આ વરસાદને કાચા સોના સમાન જણાવી રહ્યા છે.
ગીરનાર પર્વત અને ઉપરવાસમાં હજુ પણ ભારે વરસાદ પડ્યો ન હોય વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયો નથી જેથી કાળવા બે કાંઠે થયો નથી. ઝાંઝરડા રોડ સહિતના વિસ્તારના ભૂગર્ભ તળને ઉંચા લાવતા નરસિંહ સરોવરમાં નવા નીરની કોઈ આવક થઈ નથી. વિલિંગ્ડન ડેમમાં પણ નહીંવત પાણીની આવક થઈ છે. જૂનાગઢ જિલ્લાના લગભગ જળાશયો હજુ ખાલી જ છે.

Exit mobile version