જામનગર, તા.૩૦
સમગ્ર હાલારમાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક મેઘાવી માહોલ જામ્યો છે. હાલારના મહત્તમ તાલુકા મથક અને ગામડાઓમાં ઝાપટાથી નવેક ઈંચ જેટલો વરસાદ થતાં કેટલાક તાલુકામાં તો પાક.-પાણીનું ચિત્ર બદલાઈ ગયું છે. જે ડેમ ગઈકાલ સુધી ખાલી ખમ હતાં ત્યાં આજે નવા નીર હીલોળા લઈ રહ્યા છે.
જામનગર જિલ્લામાં આજે સવારે ૬ વાગ્યે પૂરા થતાં ર૪ કલાકમાં જામનગરમાં પર મી.મી., કાલાવડમાં ર૩ મી.મી., લાલપુરમાં ૧૭ મી.મી., જામજોધપુરમાં ૭ મી.મી., ધ્રોળમાં ૧૩૦ મી.મી. અને જોડિયામાં ૬ર મી.મી. વરસાદ થયો હતો. આજ સવારે જામનગરમાં ૯, કાલાવડમાં ૪, જામજોધપુરમાં ૧પ, ધ્રોળમાં ૬ અને જોડિયામાં ૪ મી.મી. વરસાદ થયો હતો. આમ ગઈકાલ સવારે ૬થી આજે બપોરે ૧ર વાગ્યા સુધીમાં એટલે કે ૩૦ કલાકમાં જામનગરમાં ૧રર મી.મી., કાલાવડમાં ર૯ મી.મી., જામજોધપુરમાં ર૭ મી.મી., ધ્રોળમાં ર૧૯ મી.મી. અને જોડિયામાં ૧૪૮ મી.મી. વરસાદ થયો છે.
આમ જિલ્લામાં સૌથી વધુ ધ્રોળ પંથકમાં પોણાનવ ઈંચ અને જોડિયામાં ૬ ઈંચ તેમજ જામનગર શહેરમાં પાંચ ઈંચ જેટલો વરસાદ થયો છે. ફલ્લા ગામમાં આજ સવારથી ફલ્લામાં વરસાદ વરસી રહ્યો છે અને ચારેક કલાકમાં ચાર ઈંચ જેટલો વરસાદ થતા કંકાવટી ડેમમાં અઢી ફૂટ નવા પાણીની આવક થવા પામી છે. લગભગ સાડાત્રણ ઈંચ વરસાદ થયો હતો. આમ બે દિવસમાં સાડાસાત ઈંચ પાણી વરસી જતા સમગ્ર ગામ પાણી પાણી થઈ ગયું હતું.
ખંભાળિયા પંથકમાં એકધારો વરસાદ વરસ્યો હતો જે આશરે ૬ વાગ્યા સુધીમાં છ ઈંચ નોંધાયો હતો. ખંભાળિયા તાલુકામાં મોસમમાં પ્રથમ વખત આખા તાલુકાના ૭૦ ઉપરાંત ગામોમાં એકથી માંડીને પાંચ-છ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. તાલુકાના કેશોદ, વીંઝલપર, ભાડથર, ઠાકર શેરડી વિગેરે ગામોમાં ત્રણેક ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ખંભાળિયા-ભાણવડ રોડ પરના ગામોમાં પણ બે થી અઢી ઈંચ વરસાદ પડ્યો હતો તો સલાયા રોડ પરના ગામોમાં પણ ત્રણેક ઈંચ વરસાદ થયો હતો. તો ખંભાળિયા-જામનગર રોડ પરના ગામોમાં પણ બે થી ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો.
ખંભાળિયામાં સવારના ૮ઃ૩૦ વાગ્યા સુધીમાં પાંચ ઈંચ વરસાદ પડ્યો પણ આ વરસાદ ધીમીધારનો હોવાથી વધુ પાણી જમીનમાં ઉતરતા કૂવા -બોર આપમેળે રીચાર્જ થયા છે. તો તળાવો અને ચેકડેમોમાં નવા પાણીની આવક પણ શરૂ થઈ છે.
ખંભાળિયા તાલુકાના સલાયા પંથકના હરિપર, વિસોત્રી, કોઠા વિસોત્રી, ગોઈંજ, બારા સહિતના ગામો તથા પરોઢિયા વિગેરે ગામોમાં પણ બેથી ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો.ખંભાળિયા શહેરમાં છ ઈંચ વરસાદ પડતા શહેરમાં ગોવિંદ તળાવ, નવા બનેલા રામનાથ રોડ, પોસ્ટ ઓફિસ રોડ, જોધપુર ગેઈટ, નગરગેઈટ વગેરે સ્થળે પાણીનો નિકાલ થાય તે માટે કંઈ જોગવાઈ ના રાખતા પાણી ભરાયા હતા. તો રેલવે સ્ટેશન પાસે તથા હર્ષદપુર રસ્તે પણ પાણી ભરાયા હતા. જો કે, ખંભાળિયમાં છ ઈંચ વરસાદ પડતા ઘી ડેમમાં તથા સિંહણ ડેમમાં નવા પાણીની આવક શરૂ થવા પામી છે. સિંહણ ડેમમાં ચાર ફૂટ નવા પાણીની આવક થવા પામી છે.
ઉંડ-૧ ડેમની સપાટી રર ફૂટ લાખોટા તળાવ-કંકાવટીમાં નવા નીર
આજે સવારની સ્થિતિએ ઉંડ-૧ ડેમની સપાટી ૨૨ ફૂટએ પહોંચી છે. તમામ પાણીનો જથ્થો નવા નીરથી આવ્યો છે. પરિણામે જામનગરમાં ઉંડ-૧, અને આજી-૩ ડેમમાં પુષ્કળ પાણીની આવક થવા પામી છે. જામનગર જિલ્લાના ઉંડ-૧ ડેમમાં તો જામનગર મહાનગર પાલિકા દ્વારા જેમાંથી પાણી ઉપાડવામાં આવે છે તે આજી-૩ ડેમમાં પણ ગઈકાલથી નવા નીરની સતત આવક થઈ રહી છે. આજે સવારની સ્થિતિએ ૪૬૬ એમએસએફટી નવા નીરની આવક થતા કુલ ૬૮૬ એમસીએફટી પાણીનો જથ્થો સંગ્રહ થયો છે. અને ડેમની સપાટી ૧૮ ફૂટએ પહોંચી છે. આ ઉપરાંત કંકાવટી ડેમમાં અઢી ફૂટ નવા નીરની આવક થઈ છે. હજુ પણ ઉપરવાસમાં વરસાદ ચાલુ હોય નવા પાણીની આવક થવાની શક્યતા છે. આ ઉપરાંત જામનગર શહેરની મધ્યમાં આવેલ લાખોટા તળાવની કેનાલ શરૃ થતા ધીમી ગતિએ પણ તળાવમાં પાણીની આવક શરૂ થઈ છે. આમ જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક શરૃ થતા અને સારો વરસાદ થઈ રહ્યો હોવાથી તંત્રએ, લોકોએ અને ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ છે.