(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩૦
દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને સુરતમાં મંગળવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતાં. શહેરમાં છેલ્લા પાંચ દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જાવા મળી રહી છે. માંગરોળમાં છેલ્લાં ૩૬ કલાકમાં ૯ ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની પરિસ્થીતી જાવા મળી છે. છેલ્લાં ૧૨ કલાકમાં પલસાણામાં એક ઇંચ જેટલો વરસાદ ખાબકયો છે. જયારે શહેરમાં સવારથી જ રીમઝીમ વરસાદ પડી રહ્યાં છે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીની વચ્ચે મંગળવારે પણ ધોધમાર વરસાદ તુટી પડ્યો છે. ભારે પવનની સાથે તુટી પડેલા વરસાદના કારણે શહેરના નિચાણવાળાં વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. સવારના ૬ વાગ્યાથી લઇ બપોરના ૧૨ વાગ્યા સુધી કામરેજમાં ૧૦ મીમી, મહુવામાં ૨૦ મીમી, માંડવીમાં પાંચ મીમી, પલસાણામાં ૨૫ મીમી, સુરતમાં ૭ મીમી અને ઉમરપાડામાં ૭ મીમી વરસાદ ખાબકયો છે. ખાસ કરીને છેલ્લાં ૩૬ કલાકમાં માંગરોળમાં ૯ ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની પરિસ્થીતી જોવા મળી હતી. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત સુરત શહેરમાં ખાબકેલા વરસાદના પગલે સૌથી વધુ કતારગામમાં ૧ મીમી રાંદેર ઝોનમાં ૨ મીમી, વરાછા ઝોન એ માં ૪ મીમી, વરાછા ઝોન બી માં ૩ મીમી, સેન્ટ્રલ ઝોનમાં ૧ મીમી, લિંબાયતમાં ૧ મીમી, અઠવામાં ૧ મીમી અને ઉધના ઝોન કોરોકટ રહ્યો હતો.