(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
મુસ્લિમ મહિલાઓને એકસાથે ત્રણ તલાક આપવાને અપરાધ ગણાવનારો ઐતિહાસિક ખરડો આજે રાજ્યસભામાં પણ ધ્વનિ મત દ્વારા પસાર કરી દેવામાં આવ્યો હતો. રાજ્યસભામાં મુસ્લિમ મહિલા(લગ્ન અઅધિકાર સંરક્ષણ) ખરડાના પક્ષમાં ૯૯ મતો પડ્યા હતા જ્યારે ૮૪ સાંસદોએ ખરડાન વિરોધમાં મતદાન કર્યું હતું. બીએસપી, ટીડીપી, ટીઆરએસ, જેડીયુ, એઆઇએડીએમકે અને ટીડીપી જેવા અનેક પક્ષોએ મતદાનમાં ભાગ ન લેવાને પગલે સરકાર રાજ્યસભામાં આ બિલ પસાર કરાવી શકી હતી. બિલની મંજૂરીથી વિપક્ષની નબળી રણનીતિ પણ સામે આવી ગઇ છે. આ ખરડાનો જોરદાર વિરોધ કરનારી કોંગ્રેસ અનેક મહત્વના દળોને પોતાના પક્ષમાં જાળવી રાખવામાં અસમર્થ નિવડી હતી. હવે રાષ્ટ્રપતિ પાસે મંજૂરી મેળવ્યા બાદ આ ખરડો ટ્રિપલ તલાકને લઇ ૨૧ ફેબ્રુઆરીએ જારી કરેલો મુસદ્દો વટહુકમનું સ્થાન લેશે. આનાથી દેખાઇ આવ્યું કે, વિપક્ષની એકતા વેરવિખેર થઇ ગઇ છે અને મોદી સરકારની મનશા તેના કારણે જ પૂર્ણ થઇ છે. નવા બિલમાં ત્રણ તાલકને ગેરકાયદે ગણાવીને એકસાથે ત્રણ તલાક આપનારા પતિને ૩ વર્ષની સજા અને દંડની જોગવાઇ કરવામાં આવી છે. કોંગ્રેસ સહિત મોટાભાગના વિપક્ષી દળોની સાથે અન્નાદ્રમુક, વાયએસઆર કોંગ્રેસે પણ ત્રણ તલાક બિલનો વિરોધ કર્યો હતો.વાયએસઆર કોંગ્રેસે બિલનો વિરોધ કરતા તેને સિલેક્ટ કમિટીમાં મોકલવાની માગ કરી હતી. વિપક્ષી દળોએ બિલ દ્વારા મુસ્લિમ પરિવારોને તોડવાનો ઇરાદો ગણાવ્યો હતો.
આ પહેલા બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાનો પ્રસ્તાવ પણ ૧૦૦ના મુકાબલે ૮૪ મતોથી પડી ગયો હતો. બિલનો વિરોધ કરનારા જેડીયુ, ટીઆરએસ, બીએસપી અને પીડીપી જેવા ઘણા પક્ષોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. રાજ્યસભામાં આ બિલ પાસ થવું મોદી સરકાર માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે કેમ કે ઉચ્ચ સદનમાં ઓછી સંખ્યા હોવાને પગલે તેના માટે આ બિલ પસાર કરાવવું મુશ્કેલ હતું. આ પહેલા પણ એક વખત આ બિલ રાજ્યસભામાં ભાંગી પડ્યું હતું. આ બિલ સંસદના નીચલા સદન લોકસભામાં એક અઠવાડિયા પહેલા બહુમતીથી પસાર થયું હતું. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી રવિશંકર પ્રસાદે બિલ પસાર થયા બાદ જણાવ્યું હતું કે, આજે ઐતિહાસિક દિવસ છે. સંસદના બંને સદનો લોકસભા અને રાજ્યસભામા મુસ્લિમ મહિલાઓને ન્યાય મળી ગયો છે. આ બદલાતા ભારતની શરૂઆત છે. જોકે, કોંગ્રેસે આ બિલને પસાર થવાને ઐતિહાસિક ભૂલ ગણાવી છે. પાર્ટી નેતા રાજ બબ્બરે પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે, મારા મતે આ દેશની અંદર કોઇપણ પરિવાર માટે આ કાયદો મોટો આંચકો છે. સિવિલ કાયદાને ક્રિમિનલ કાયદો બનાવી દેવાયો છે. આ ઐતિહાસિક ભૂલ છે. આ પહેલા રાજ્યસભામાં આ ખરડાને સિલેક્ટ કમિટી પાસે મોકલવા માટે મતદાન થયું હતું. જે ૧૦૦-૮૪ મતોથી ભાંગી પડ્યું હતું. આ દરમિયાન ઘણા મોટા પક્ષોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. રાજકીય નિષ્ણાતોનું આ અંગેકહેવું છે કે, આનાથી વિપક્ષ રાજ્યસભામાં તૂટતો દેખાઇ રહ્યો છે જ્યારે ભાજપની સ્થિતિ મજબૂત થઇ રહેલી દેખાય છે.
ચર્ચા દરમિયાન કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ આ પ્રથા જારી છે. તેમણે દાવો કર્યો હતો કે, વિપક્ષ ત્રણ તલાકને ચાલુરાખવા માગે છે. આખરે તમે ત્યારે કેમ ના કહ્યું કે પતિ જેલમાં જશે તો શું થશે. ઉલ્લેેખનીય છે કે આ પહેલા બિલ પર ચર્ચા માટે ચાર કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. બિલને લઇ ભાજપે પોતાના સાંસદોને વ્હીપ જારી કર્યો હતો. રાજ્યસભામાં બિલ પસાર કરાવવા માટે મોદી સરાકરનો માર્ગ સરળ બની રહ્યો હતો ત્યારે એનડીએના સાથી જેડીયુ અને એઆઇએડીએમકે વોકઆઉટ કરી ગયા હતા.
મહિલા અધિકારના નામે મુસ્લિમોને બરબાદ
કરવાનો પ્રયાસ : ગુલામનબી આઝાદ
ટ્રિપલ તલાક બિલને લઇને રાજ્યસભામાં ઉગ્ર અને ગરમાગરમ ચર્ચા જામી હતી. ચર્ચા દરમિયાન રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે સરકારના ઇરાદા ઉપર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, મુસ્લિમોના ઘરને બરબાદ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસી નેતાએ કહ્યું હતું કે, ટ્રિપલ તલાકના બદલે મોબ લિંચિંગને લઇને કાયદો બનાવવામાં આવે તે જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ છતાં મોબ લિંચિંગને લઇને કોઇ કાનૂન બનાવવાના પ્રયાસ થઇ રહ્યા નથી. આઝાદે કહ્યું હતું કે, બિલ એક અલગ વિષય છે પરંતુ તેની પાછળ ઇરાદા જુદા છે. બિલ પરિણિત મુસ્લિમ મહિલાઓના અધિકારોનું રક્ષણ કરે છે પરંતુ ઇરાદા મુસ્લિમ પરિવારોને તબાહ કરવાના છે. કોંગ્રેસી નેતાએ કહ્યું હતું કે, એક દોઢ વર્ષ પહેલાથી જ તેઓ સમજી ગયા હતા કે, મુસ્લિમ મહિલાઓના નામ ઉપર મુસ્લિમોને ખતમ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. તેમણે કહ્યું કે, મુસ્લિમોના ઘરમાં ઘરના ચિરાગને જ આગ લગાવવામાં આવી રહી છે. ઘર પણ આવી સ્થિતિમાં બળી જશે અને કોઇને વાંધો પણ થશે નહીં. કોંગ્રેસી નેતાએ કહ્યું હતું કે, સિવિલ કોન્ટ્રાક્ટ તરીકે લગ્ન છે. આને હવે ક્રિમિનલ સ્વરુપ આપવામાં આવી રહ્યું છે. અગાઉ પણ તત્કાલિન મંત્રી અનંતકુમાર તેમની પાસે આવ્યા હતા. તે વખતે તેઓએ વાંધો ઉઠાવ્યો હતો પરંતુ આ વાંધાઓને દૂર કરવામાં આવ્યા ન હતા. કોસ્ટમેટિક સર્જરી કરવામાં આવી છે. એક-દોઢ કલાક સુધી ચાલેલી ચર્ચા દરમિયાન તેઓએ એ વખતે કહ્યું હતું કે, ઇસ્લામમાં લગ્ન એક સિવિલ કોન્ટ્રાક્ટ તરીકે છે. આને ક્રિમિનલ સ્વરુપ આપવામાં આવી રહ્યું છે. પતિ જો જેલમાં રહેશે તો ભથ્થા કોણ ચુકવશે તે પ્રશ્ન છે.
જેડીયુ, એઆઇએડીએમકેના વોકઆઉટ વચ્ચે રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલને મંજૂરી
રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલની ચર્ચા દરમિયાન વોકઆઉટ અને ગેરહાજરી વચ્ચે ખરડાને મતદાન દ્વારા મંજૂરી આપી દેવાઇ હતી. ભાજપની આગેવાનીવાળા એનડીએએ એકસાથે ત્રણ તલાકને અપરાધ ગણાવતા કાયદાનું સમર્થન કર્યું હતું જ્યારે વિપક્ષે સરકાર પર લગ્નની સંસ્થાને ખતમ કરવાનો આરોપ લગાવ્યો હતો. લગ્ન પર મુસ્લિમ મહિલા અધિકાર બિલ ૨૦૧૯ અંગે ચર્ચા દરમિયાન એનડીએના સાથીપક્ષો જનતા દળ યુનાઇટેડ અને એઆઇએડીએમકેએ વોકઆઉટ કર્યો હતો જ્યારે તેલંગાણા રાષ્ટ્ર સમિતી મતદાનથી દૂર રહી હતી. એનડીએના સાથી હોવા છતાં બિલનો વિરોધ કરનારી પાર્ટીઓ મતદાનથી દૂર રહેતા આખરે એનડીએને જ ફાયદો થયો હતો અને ૨૪૦ સભ્યોવાળી રાજ્યસભામાં એનડીએ સરકારે ૯૯ મતોની બહુમતીથી કાયદો પસાર કરાવી દીધો હતો.
ટ્રિપલ તલાકની જોગવાઈ…
ત્રિપલ તલાક પર રહેલા કાયદામાં જે જોગવાઈ છે તે મુજબ નાના બાળકોની કસ્ટડી માતાની પાસે
પત્નિ અને બાળકોના ભરણપોષણ માટેના અધિકાર મેજિસ્ટ્રેટ દ્વારા નક્કી કરવામાં આવશે. મેજિસ્ટ્રેટના આદેશ મુજબ પતિને ભરણપોષણ માટેની રકમ આપવી પડશે
એક સાથે ત્રણ વખત તલાક બોલીને તલાક આપવાને અપરાધ તરીકે ગણવામાં આવશે અને સાથે સાથે દોષિતને જેલની સજા ફટકારવાની જોગવાઈ રહેલી છે
બિલમાં રહેલી જોગવાઈ મુજબ મેજિસ્ટ્રેટ આવા મામલામાં જામીન આપી શકે છે પરંતુ પત્નિના પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ જ જામીન આપી શકશે
પતિ-પત્નિ વચ્ચેનો અંગત મામલો છે પરંતુ પત્નિએ રજૂઆત કરી હોવાથી તેની રજૂઆતોને સાંભળવાની રહેશે.
ત્રિપલ તલાક બિલમાં ક્રિમિનેલીટી ક્લોઝ વિવાદને લઇને ટૂંકમાં ઉકેલ લવાશે