જામનગર, તા.૨
જામનગરના સિકકામાં જીએસએફસી કંપની દ્વારા ઊભી કરાતી અઢી કિમી લાંબી કમ્પાઉન્ડ વોલ સામે વિરોધ વંટોળ ઉઠ્યા પછી બે આસામીએ ગુજરાતની વડી અદાલતમાં જાહેર હીતની અરજી કરી છે.
જામનગર તાલુકાના સિક્કામાં જીએસએફસી કં૫ની દ્વારા અઢી કિલોમીટર લાંબી કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ શરૃ થયું છે. જેની સામે સિક્કા પંથકમાં ભારે વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ગયા મહિને ચીફ ઓફિસરે જે અઢાર શરતોને આધીન રહી બાંધકામની મંજૂરી આપી છે તે તમામ શરતોનું ઉલ્લંઘન કરી કંપની દ્વારા તે સ્થળે કમ્પાઉન્ડ વોલ બનાવવાનું અને તે કામ પૂર્ણ થયા પછી અંદરના પ્રિમાઈસીઝમાં નવો પ્લાન્ટ ઊભો કરવાનું કામ શરુ કરી દેવાતા થોડા દિવસ પહેલાં સતત બે દિવસ સુધી તે સ્થળે સિક્કાના ગ્રામજનોએ દેખાવો કર્યા હતાં.
તે દરમ્યાન બીજા દિને એક ટોળાએ પથ્થરમારો કરી સરકારી વાહનોને નુકસાન કરવા ઉપરાંત ત્રણ પોલીસકર્મી અને પ્રાંત અધિકારીને પણ છુટા પથ્થર મારતા ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી. તે પછી આ કામ અટકાવી દેવાનો હુકમ થયો હતો. ત્યારપછી સિક્કાના જુનસ આલી હુંદડા તથા કાસમ આમદ બારોયા નામના બે આસામીઓએ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હીતની અરજી (પીઆઈએલ) દાખલ કરી છે. જેમાં આ આસામીઓએ જીએસએફસી કંપની, ચીફ ઓફિસર સિક્કા, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસવડા, સરકાર તથા સિક્કા પીએસઆઈને પક્ષકાર તરીકે જોડી સિક્કામાં ઊભી કરાતી આ દીવાલના કામને અટકાવી દેવાની માંગણી કરતા હાઈકોર્ટે અરજદારોના વકીલ હારૃન પલેજાની દલીલોને ગ્રાહ્ય રાખી નોટીસ કાઢવાનો હુકમ કર્યો છે અને આગામી તા. ૮ના દિને પક્ષકારોને હાજર રહેવા આદેશ કર્યો છે.