Site icon Gujarat Today

દ.ગુ.માં ભારે વરસાદના લીધે ડેમ ઓવરફ્લો : નદીઓ બે કાંઠે

સુરત,તા.૨
દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે. જળસંચય અને સિંચાઈ માટે બનાવાયેલા દક્ષિણ ગુજરાતના મોટાભાગના ડેમ ઓવર ફ્લો થઈ ગયા છે. તાપી નદી પર બનાવાયેલા ઉકાઈની સપાટીમાં પણ ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. ઉકાઈ ડેમ ૩૦૦ની સપાટી વટાવીને ૩૦૩ની સપાટીએ પહોંચી ગયો છે. જો કે ઉકાઈનું રૂલ લેવલ હજુ દૂર છે. ડેમ અને જળાશયો ઓવરફ્લો થઈ જતાં ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
વલસાડની દમણગંગા નદી પર આવેલો મધુબન ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ઉપવાસ અને વલસાડમાં પડી રહેલા વરસાદના પગલે મધુબન ડેમના ૭ દરવાજા ૩ મીટર સુધી ખોલવામાં આવ્યાં છે. ડેમમાં પાણીની આવક ૯૯,૫૧૮ ક્યુસેક અને દરવાજા ખોલીને ૮૪,૦૯૭ ક્યૂસેકની જાવક કરવામાં આવી રહી છે. હાલ ડેમની સપાટી ૭૩.૩૫ મીટર પહોંચી ગઈ છે.
વાંસદામાંથી વહેતી ખરેરા નદી પરનો કેલીયા ડેમ ઓવર ફ્લો થઈ ગયો છે. ખરેરા નદી અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો છેલ્લા ચારેક દિવસથી થઈ ગયો છે. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારના લોકોને સાવધ કરાયા છે.
સોનગઢમાં આવેલો ડોસવાડા ડેમ ઓવર ફ્લો થઈ ગયો છે. સાથે જ મધર ઈન્ડિયા ડેમ ત્રણ દિવસ અગાઉ ઓવર ફ્લો થઈ ગયો છે. તાપી નદી પર આવેલો કાકરાપાર ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે. નવસારીનો જૂજ ડેમ ઓવરફ્લો થયો છે. જેથી ખેડૂતોને સિંચાઈ માટે ઉપયોગમાં પાણી આપી શકાય તેમ જ લોકોના પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ છે.

Exit mobile version