(સંવાદદાતા દ્વારા) નેત્રંગ, તા.૨
એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ શાળા (વાગલખોડ) હાલ નેત્રંગમાં ચાલતી આ શાળામાં ધોરણ ૬મા અભ્યાસ કરતા વિદ્યાર્થીનું ઝાડા-ઉલ્ટીને લઈને મોત થતાં સરકારી હોસ્ટેલમાં રહેતા બાળકોમાં ભય ફેલાઈ ગયો છે, તો બીજી તરફ ઝાડા-ઉલ્ટીને લઈને મોતને ભેટેલા બાળકના પિતાએ તપાસની માંગ મૂકી છે, મોતનું સાંચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે, કયા કારણસર મોત થયું છે. હાલ તો અનેક જાતના તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપરા ગામમાં નવીનગરી વિસ્તારમાં રહેતા રમેશભાઈ માધવભાઈ વસાવાનો મોટો પુત્ર મિતેશકુમાર રમેશભાઈ વસાવા (ઉ.વ.આ.૧ર) ધો.૬મા ચાલુ સાલે અભ્યાસ માટે મૂકેલ જે તા.૧/૮/૧૯ના રોજ શાળામાં અભ્યાસ માટે ગયો હતો. શાળાથી પરત હોસ્ટેલમાં આવ્યા બાદ તેને ઉલ્ટી થતાં શાળાના શિક્ષક હસમુખભાઈ દ્વારા ૧૦૮ સેવાની મદદ લઈને નેત્રંગ ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવેલ જ્યાં સારવાર મળતા પહેલાં જ તેનું મોત થયું હોવાનું જાણવા મળેલ છે. બનાવ બનતા શિક્ષક હસમુખભાઈ દ્વારા મિતેશના માતા-પિતાને ફોન કરી બનાવથી વાકેફ કર્યા હતા. રમેશભાઈ માધવભાઈ વસાવા તેમજ તેઓના પત્ની નેત્રંગ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી જોતા તેમનો પુત્ર મૃત્યુ પામ્યો હતો. તા.ર૮/૭/૧૯ના રોજ મિતેશને મળવા માટે રમેશભાઈ તેમજ તેઓના પત્ની રાજપરા ગામેથી આવેલ તે વખતે તેઓનો પુત્ર બિલકુલ સ્વસ્થ હોવાનું તેઓે જણાવે છે. ચાર દિવસ બાદ પોતાના પુત્રનું મરણ થતાં રમેશભાઈ વસાવાએ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી તપાસની માંગ મૂકવામાં આવી છે. હોસ્ટેલ ખાતે બીમાર પડી ગયેલા મિતેશના મોતને લઈને અનેક પ્રકારના તર્ક-વિતર્ક ટાઉનની પ્રજામાં ચાલી રહ્યા છે. મિતેશના પિતાએ પોલીસ સ્ટેશનમાં ઝાડા-ઉલ્ટી થવાનું કારણ જણાવેલ છે, જ્યારે શાળાના આચાર્ય મિતેશના મોતનું કારણ સિકલસેલ હોવાનું જણાવે છે. એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ શાળાના બાળકનું મોત થતાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.